પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦૭
કોલંબોમાં આવકાર.

તરફ ભક્તિભાવથી જોઈ રહ્યું હતું.

વિવેકાનંદ લંડન છોડી હિંદ તરફ નીકળી ચુક્યા છે, એવી ખબર આવી કે તરતજ આખા હિંદમાં તેમને માન આપવાની તૈયારીઓ થવા લાગી. તેમના બે ગુરૂભાઈઓ તેમને સામા લેવાને સિલોનમાં આવ્યા અને બીજા શિષ્યો મદ્રાસમાં આવીને રહ્યા હતા. એકદમ સઘળાં વર્તમાનપત્રો સ્વામીજીના કાર્યનાં ભારે વખાણ કરવા લાગ્યાં. તેમના અંગત ગુણોનું વર્ણન આપવા લાગ્યાં. પ્રજાનો જુસ્સો આથી વધતો ગયો; સ્વામીજી તરફની તેની લાગણીમાં ઉમેરો થતો ગયો. પોતાના માનમાં આટલી ભારે તૈયારીઓ થઈ રહેલી છે એમ સ્વામીજીને ખબર નહોતી. કોલંબોમાં આવ્યા પછી જ તેમને માલમ પડ્યું કે આખું ભારતવર્ષ તેમને માન આપવાને તત્પર થઈ રહેલું છે.

પ્રકરણ ૪૩ મું – કોલંબોમાં આવકાર.

સ્વામી વિવેકાનંદના આવવાની ખબર આખા હિંદમાં પ્રસરી રહી હતી. કોલંબોથી આલમોરા સુધીનાં સઘળાં મુખ્ય મુખ્ય સ્થળોમાં તેમને માન આપવાને આવકાર મંડળીઓ નીમાઈ રહી હતી. દરેક જાતના અને દરેક પંથના હિંદુઓ તેમના યશસ્વી બાપદાદાઓના ધર્મને અસાધારણ બુદ્ધિથી પ્રતિપાદન કરનાર વિવેકાનંદ તરફ પોતાની લાગણી અને સંતોષ દર્શાવવાને ઉત્સુક બની રહ્યા હતા. જેથી કરીને સિલોનની હિંદુ પ્રજા તેમના આગમનની ખબર સાંભળીને હર્ષઘેલી બની રહે તેમાં આશ્ચર્ય નથી. તારીખ ૧૫ મી જાન્યુઆરીના દિવસે તે આવવાના છે એવો સંદેશો જાણે કે પ્રભુએજ મોકલ્યો હોય તેમ સર્વેને લાગ્યું. તા. ૧૫ મીએ સ્ટીમર કિનારા તરફ આવવા લાગી. બંદર ઉપર હજારો મનુષ્યો એ પવિત્ર સાધુનાં દર્શન કરવાને ઉત્સુક બની રહ્યાં