પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


અલભ્ય ગણાય છે અને સાધુ સમાગમમાં સમય સમય ગાળવો એ તો વેળી બહુ જ મોટું ભાગ્ય મનાય છે. તેમાંએ વળી સ્વામીજી જેવા પરમપવિત્ર, ધર્મરક્ષક અને તત્વજ્ઞાનમાં નિષ્ણાત સાધુનાં દર્શન અને સમાગમ તો પૂર્વજન્મનું મોટું પુણ્ય હોય તોજ થઈ શકે ! સ્વામીજીની ભવ્ય આકૃતિ જોઇને સર્વ અંજાતા હતા. તેમના મુખ ઉપર વ્યાપી રહેલું તેજ સર્વને આકર્ષતું હતું. તેમના શરીરનો મજબુત બાંધો બ્રહ્મચર્યનો પ્રભાવ દર્શાવી રહ્યો હતો. વદનકમળ ઉપર વ્યાપી રહેલી શાંતિ ઉત્તમ મનોનિગ્રહને દર્શાવતી હતી. તેમની મિષ્ટ વાણી વિદ્યા અને વિનયથી ભરપુર હતી. તેમની સાથે વાર્તાલાપ કરતાં તે પૌર્વાત્ય અને પાશ્ચાત્ય વિદ્યાના ભંડાર છે એમ સર્વને પ્રત્યક્ષ થતું હતું. એવા એક મહાન સાધુના દર્શન માત્રથી લોકોને તૃપ્તિ ન વળે એમાં નવાઈજ શી !

ઘણા લોકો બહાર ઉભેલા છે અને ફરીથી દર્શન કરવાની ઇચ્છા રાખે છે એમ જાણીને સ્વામીજી બંગલાની બહાર આવ્યા અને સર્વેને નમસ્કાર કરીને ઘેર જવાનું કહેવા લાગ્યા. બીજે દિવસે પણ લોકોનાં ટોળે ટોળાં ત્યાં આવવા લાગ્યાં અને સ્વામીજી જે બંગલામાં ઉતર્યા હતા તે બંગલો સર્વેને મન યાત્રાનું સ્થાન બની રહ્યો. સ્વામીજીના સ્મારકમાં તે બંગાલાનું નામ “વિવેકાનંદ લોજ” પાડવામાં આવ્યું અને હજી પણ તે નામથીજ તે બંગલો ઓળખાય છે. હિંદમાં ગુરૂભક્તિ કેવી હોય છે તેનો ખ્યાલ જેને નથી તેને સ્વામીજીને મળેલા માનનો ખ્યાલ આવી શકવો મુશ્કેલ છે. અખિલ વિશ્વમાં હિંદ એકલુંજ એ બાબત જાણે છે કે ગુરૂભક્તિ કેવી હોય ! એ ગુરૂભક્તિ અહીંઆં અત્યંત ભાવથી દર્શાવવામાં આવતી હતી. સિલોનના મોટામાં મોટા અમલદારોથી તે ગરિબમાં ગરિબ મનુષ્ય સુધી સઘળા સ્વામીજીનાં દર્શને તેમજ મુલાકાતે આવી ગયા.