પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


અને ઈશ્વરભક્તિવાળા મનુષ્યોજ મોટા ગણાય છે. પ્રજાઓ કે મુલકોના જીતનારાઓ તેમને મન પ્રભુભક્ત કરતાં ઉતરતા છે. પ્રભુના ભક્તને રાજા પણ માન આપે છે. હિંદુઓ “નમો નારાયણ” કહીને સાધુને નમે છે અને સાધુ બાળક જેવી સાદાઈ અને નમ્રતાથી સામામાં પ્રભુભાવ દર્શાવવાને માટે “નારાયણ” એવો પ્રત્યુત્તર આપીને તેનો સ્વીકાર કરે છે.

સાયંકાળે સ્વામીજીએ ફ્લૉરલ હૉલમાં એક સુંદર ભાષણ આપ્યું. ભાષણનો વિષય “હિંદ પુણ્યભૂમિ છે” એ હતો. ભાષણથી શ્રોતાઓના મન ઉપર ઘણી જ અસર થઈ રહી. સ્વામીજીએ કહ્યું કે “આજે અહીં ઉભો રહીને હું ખાત્રીથી કહું છું કે જગતમાં કોઈ પણ દેશ પુણ્યભૂમિ હોવાનો દાવો કરી શકે તેમ હોય તો તે ભારતવર્ષજ છે. જે કોઈ પણ ભૂમિએ નમ્રતા, ઉદારતા, પવિત્રતા, શાંતિ, આત્મદર્શન અને આધ્યાત્મિકતામાં જગતમાં સર્વથી શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કર્યું હોય તો તે આ ભારતવર્ષજ છે. અહીંઆં ઘણા પ્રાચીન સમયથી મહાન ધર્મ પ્રવર્તકો ઉત્પન્ન થતા આવ્યા છે અને તેઓએ વારંવાર શુદ્ધ આધ્યાત્મિક સત્યો અખિલ વિશ્વમાં પ્રસરાવી મૂક્યાં છે.” સ્વામીજીએ અનેક દૃષ્ટાંતો આપીને પોતાના કથનની ખાત્રી કરી આપી હતી.

બીજો દિવસ રવિવારનો હતો. તે દિવસે સાંજે સ્વામીજી મહાદેવના દેવળમાં દર્શન કરવાને ગયા. તેમની સાથે ઘણા લોકો પણ ગયા હતા. જે રસ્તે થઈને તે જવાના હતા તે ઉપર આવેલા મહોલ્લાઓને વાળી ઝુડીને સાફ કરવામાં આવ્યા હતા અને રોશની કરવામાં આવી હતી. આજુબાજુનાં ગામડાંમાંથી પણ ઘણા લોકો ત્યાં આવીને એકઠા થયા હતા. સર્વે તે મહાપુરૂષનાં દર્શન કરવાને ઉત્સુક બની રહ્યા હતા. રસ્તામાં સ્વામીજીની ગાડીને વારંવાર રોકવામાં આવતી હતી; કારણકે ઘણા હિંદુઓ ફુલ ફળાદિ હાથમાં લઈને