પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


જે કોઈને પરદેશી પોશાકમાં જોતા તો તેને સખત ઠપકો દેતા અને એવા અનુકરણ અને ટાપટીપને બાયલાપણું કહેતા. શિકાગોમાં સર્વધર્મ પરિષદમાં હિંદુધર્મનાં ભિન્ન ભિન્ન સ્વરૂપોને પ્રતિપાદન કરવાને હિંદુસ્થાનથી બીજા પણ કેટલાક પ્રતિનિધિઓ આવેલા હતા, તેઓ પરદેશી પોષાકમાં સજ્જ થયેલા હતા; પણ ઉત્કટ સ્વદેશાભિમાની સ્વામી વિવેકાનંદ તો પોતાના દેશી પોષાકમાંજ હાજર થયા હતા અને તેથી કરીને શ્રોતાઓનાં મન ઉપર તે સૌથી વધારે અસર ઉપજાવવાને શક્તિમાન થયા હતા. સ્વધર્મનું પ્રતિપાદન વિદેશી પોષાકમાં સજ્જ થઈને કરવું, એ સ્વામીજીને વિચિત્ર લાગતું હતું. બુદ્ધિશાળી અમેરિકન પ્રજા પણ સ્વામીજીનો એ હેતુ સમજી ગઈ હતી અને તેથી તેમને સૌથી વધારે માન આપતી હતી. સ્વામીજીનો અનુપમ બોધ સર્વને આકર્ષતો હતો, છતાં તેમાંએ તેમનો સ્વદેશી પોષાક ઘણો ઉમેરો કરતો હતો. અમેરિકાનાં વર્તમાનપત્રો તેમની શક્તિનાં ભારે વખાણ કરતી વખતે પણ તેમના પોષાકથી ઉપજતી અસરનું વર્ણન આપવાનું ચૂકતાં નહિ. સ્વામીજીનાં ભગવાં વસ્ત્ર અને શરીરનો મજબુત બાંધો દરેક વર્તમાનપત્રનો વિષય બની રહ્યાં હતાં. હિંદુ આચાર વિચારને માટે સ્વામીજીને એટલો બધો આગ્રહ હતો કે પોતાના પાશ્ચાત્ય શિષ્યોને પણ તે વારંવાર કહેતા કે ખરેખરા હિંદુ તમે ત્યારેજ કહેવાઓ કે જ્યારે છરી કાંટાને બદલે હાથવતેજ જમતાં શીખો.

ભાષણમાં પેલા હિંદુઓના વિદેશી પોષાક ઉપર પણ સ્વામીજી ઠપકા રૂપે કેટલુંક બોલ્યા હતા. અંગ્રેજી ભણનારા હિંદુઓ કંઈ પણ વિચાર કર્યા વગરજ યૂરોપીયનોનું બાહ્ય અનુકરણ કરે છે અને તેમના રીત રીવાજોને વખાણે છે તે કેવું નુક્સાનકારક છે, તે સમજાવવાને માટેજ સ્વામીજીએ એ ટીકા કરી હતી.