પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


“આપણા દેશમાં અત્યારે આપણને અશ્રુપાત કરવાની જરૂર નથી; પણ સામર્થ્યની જરૂર છે. જ્યારે સઘળા વ્હેમોને ત્યજી દેવામાં આવે છે અને મનુષ્ય अहं ब्रह्मास्मि એવું જ્ઞાન પ્રાપ્ત કરીને સ્વાવલંબી બને છે ત્યારે તે કેટલું બધું સામર્થ્ય પ્રાપ્ત કરી રહે છે ! એવો મનુષ્ય પોતાના આત્માની શક્તિ ઉપરજ આધાર રાખે છે. એ આત્મા અજર, અમર, અનાદિ અને અનંત છે. તેને શસ્ત્રો છેદી શકતાં નથી, અગ્નિ તેને બાળી શકતો નથી, ઉષ્ણતાથી તે સૂકાતો નથી, પાણીથી તે પલળતો નથી એની મહત્તા આગળ સૂર્ય, ચંદ્ર અને તેમનાં મંડળો સમુદ્રમાં ટીપાં સમાન છે; દિશાઓ શુન્યવત્‌ છે અને કાળનું અસ્તિત્વ નથી. એ કીર્તિવંત આત્માના અસ્તિત્વમાં આપણે શ્રદ્ધા રાખવી જોઈએ. એ શ્રદ્ધા વડેજ તમે જેવા ધારશો તેવા થઈ શકશો. તમે પોતાને નબળા ધારશો તો નબળા થશો અને સામર્થ્યવાન ધારશો તો સામર્થ્યવાન્‌ થશો. અપવિત્ર ધારશો તો તમે અપવિત્ર થશો અને પવિત્ર ધારશો તો પવિત્ર થશો. આપણે વાસ્તવમાં સર્વ સામર્થ્યવાન્‌, સર્વ સત્તાવાન અને સર્વજ્ઞ છીએ. સઘળું જ્ઞાન, સઘળી સત્તા, પવિત્રતા અને સ્વતંત્રતા આપણામાં છેજ. આપણે તેને શા માટે દર્શાવી શકતા નથી ? કારણ એજ કે આત્માની સર્વ શક્તિમત્તાના અસ્તિત્વમાં આપણને શ્રદ્ધા નથી. તેના અસ્તિત્વમાં શ્રદ્ધા રાખો અને તેનો આવિર્ભાવ આપણામાં થયા વગર રહેશે નહિ. તેનો આવિર્ભાવ થવોજ જોઇએ. નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન આપણને એ પ્રમાણે શિખવે છે. તમારાં સંતાનોને બાલ્યાવસ્થાથીજ આવું શિક્ષણ આપીને સામર્થ્યવાન્‌ બનાવો. તેમને બીજા હલકા વિચારો આપીને નબળા થવાનું શિખવશો નહિ અને માત્ર બાહ્ય ક્રિયાઓનોજ તેમને બોધ કરશો નહિ. તેમને સ્વાવલંબી અને હિંમતવાન બનાવો. ગમે તેવી સ્થિતિમાં જય પ્રાપ્ત કરવાનું