પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.

માફક ઉપર તરી આવો છો અને પાછા પરપોટાની માફક પોતાની મેળેજ નષ્ટ થઈ જાઓ છો. પ્રથમ અમારા જેવા સેંકડો વર્ષ સુધી ટકી શકે એવા નિયમો અને અમારા જેવી ટકાઉ સંસ્થાઓ ઉત્પન્ન કરો. ત્યાર પછીજ તમે અમારી સાથે વાત કરવાને લાયક થશો.”

સ્વામીજીનું ભાષણ સમાપ્ત થયા પછી કેપ્ટન સેવીઅર ઉભા થયા. તેમણે કહ્યું કે તેમના ધર્મમાં તેમને જરાકે શાંતિ મળી નહિ અને જ્યારે સ્વામી વિવેકાનંદ લંડનમાં આવ્યા અને વેદાન્તનો બોધ કરવા લાગ્યા ત્યારે તે અને તેમનાં પત્ની તેમનો બોધ અત્યંત ભાવથી ગ્રહી રહ્યાં. વેદાન્તના સિદ્ધાંતોની સત્યતા વિષે તેમની પક્કી ખાત્રી થઈ છે તેથી તે બંને વેદોની જન્મભૂમિ ભારતવર્ષમાં વેદાન્તના સિદ્ધાંતોને કૃતિમાં મૂકવાને આવેલાં છે.

પ્રકરણ ૪૪ મું – ભારતવર્ષની ભૂમિ પર.

તેજ દિવસે રાત્રે સ્વામીજી અને તેમના શિષ્યો પમ્બાન ગયા. જફનાથી તે એક જહાજમાં બેસી ગયા હતા. કિનારા ઉપર તેમને સામા લેવાને માટે રામનદના મહારાજા આવ્યા હતા. પમ્બાનના શહેરીઓએ સ્વામીજીને માનપત્ર આપ્યું. માનપત્રની ક્રિયા વખતે રામનદના રાજાએ ઘણી ઉંડી લાગણીઓથી પોતાનો પૂજ્યભાવ પ્રદર્શિત કર્યો. તેનો જવાબ વાળતાં સ્વામીજી શ્રોતાઓને પોતાના કર્તવ્યનું ભાન કરાવતાં કહ્યું કે, “આધ્યાત્મિક સત્યો પ્રાપ્ત કરવાને માટે આખા જગતની દૃષ્ટિ હવે ભારતવર્ષ તરફ વળી રહેલી છે. ભારતવર્ષે અખિલ વિશ્વને માટે કાર્ય કરવાનું છે. માનવજીવનનું ઉત્તમમાં ઉત્તમ આદર્શ ભારતવર્ષમાંજ મળી આવશે. એ આદર્શ આપણાં સંસ્કૃત સાહિત્ય અને તત્ત્વજ્ઞાનમાં સમાઈ રહેલું છે. પાશ્ચાત્ય