પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨૧
ભારતવર્ષની ભૂમિપર.


પંડિતો એ આદર્શને સમજવાને હાલમાં ઘણું મથી રહેલા છે. એ આદર્શ હજારો વર્ષથી ભારતભૂમિનો અંગત ગુણ થઈ રહેલું છે.”

અહીંઆં સ્વામીજી ત્રણ દિવસ રહ્યા અને પમ્બાન તથા રામેશ્વરના લોકોને તેમના દર્શનનો અપૂર્વ લાભ મળ્યો. બીજે દિવસે સ્વામીજી રામેશ્વર મહાદેવનાં દર્શન કરવાને ગયા. રામેશ્વરનું દેવાલય ઘણું પ્રાચીન છે. દ્વારકા, બદ્રીનાથ, અને જગન્નાથ જેવું તે પણ એક પવિત્ર ધામ છે. પાંચ વર્ષ ઉપર તે એક પ્રવાસી સાધુ તરીકે પગે ચાલીને થાક્યા પાક્યા ત્યાં ગયા હતા. હાલની મુલાકાત તેથી જુદાજ સંજોગોમાં તેઓ લે છે એ સર્વ સ્વામીજીને સાંભરી આવ્યું. સર્વધર્મપરિષદથીજ ભારતવાસીઓની આંખ ઉઘડી હતી. તે પહેલાં તેમને ખબર નહોતી કે સ્વામી વિવેકાનંદ જેવો એક અસામાન્ય પુરૂષ ભારતવર્ષમાં વિસરી રહેલો છે. ભારતવાસીઓને પોતાના અસામાન્ય પુરૂષોની કેવી કદર છે ? આપણે આપણા મહાપુરૂષો અને ઉત્તમ વસ્તુઓ તરફ કેવા બેદરકાર છીએ ? આપણા મહાપુરૂષો ઈંગ્લાંડ કે અમેરિકામાં જઈને પાશ્ચાત્યોની છાપ મેળવે નહિ ત્યાં સુધી આપણને તેમના અસ્તિત્વની પણ ખબર પડતી નથી !

સ્વામીજી શિવાલયની નજીક આવ્યા એટલે સામે એક સરઘસ આવ્યું. સ્વામીજીને લેવાને તે આવતું હતું. તે સરઘસમાં શિવાલયના ધ્વજા, પતાકા, છત્ર અને હાથી, ઘોડા, ઉંટ વગેરે હતું, તેથી તે ઘણુંજ ભવ્ય જણાતું હતું. હિંદુઓ મહાત્માઓને આવી રીતે જ માન આપે છે. તે સરઘસમાં જોડાઈને સ્વામીજી અને તેમના શિષ્યો શિવાલયમાં ગયા. શિવાલય ઘણી કારીગિરીથી બાંધવામાં આવેલું છે. શિલ્પશાસ્ત્રના અદ્ભુત અને ભવ્ય નમુનાઓ તેમાં નજરે પડે છે. ત્યાં ખાસ કરીને એક ગેલેરી (છજું) જોવાલાયક છે. બરાબર એક હજાર થાંભલા ઉપર તે બાંધવામાં આવેલી છે. હિંદની પ્રાચીન કારીગિરીનું તે આપણને