પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨૫
ભારતવર્ષની ભૂમિપર.


રાખવાથીજ પ્રજા અધોગતિને પ્રાપ્ત થતી જાય છે અને તેની શારિરીક તેમજ માનસિક શક્તિનો હ્રાસ થતો જાય છે. આજકાલ હિંદુ પ્રજાનો ધર્મ બસ પાણીયારામા અને રસોડામાંજ આવી રહેલો છે ! રસોઈનાં અને પાણીનાં પાત્રોજ તેમનો ઈશ્વર બની રહેલાં છે !

ત્યાંથી સ્વામીજી મદુરા ગયા. ત્યાંના લોકોએ પણ સ્વામીજીને માન આપવામાં પાછી પાની કરી નહિ.

કુંબાકોનમમાં મળેલા માનપત્રનો ઉત્તર આપતાં સ્વામીજીએ સમજાવ્યું કે, જગતમાં માત્ર વેદાન્ત ધર્મજ સૌથી શ્રેષ્ઠ છે. કારણ કે તે નિત્ય સત્યનો બનેલો છે. એ વેદાન્તજ અખિલ વિશ્વનો ધર્મ થઇ રહેશે. તેનું કારણ એ છે કે તેમાં નૈતિક નિયમોનો પાયો તત્વજ્ઞાન ઉપર રચાયેલો છે. બીજા કોઈ પણ ધર્મમાં તમને એવું મળશે નહિ. વળી જગતનાં સઘળાં શાસ્ત્રોમાં એકલાં હિંદુશાસ્ત્રોના સિદ્ધાંતોજ આધુનિક વિજ્ઞાનશાસ્ત્રોનાં તત્વોને અનુકુળ છે. અખિલ વિશ્વની એકતા પ્રતિપાદન કરનારો વેદાન્તનો ભવ્ય સિદ્ધાંત યૂરોપના વિચારવંત પુરૂષો આપણી પાસેથી લેવા ઈચ્છા રાખે છે.

યૂરોપની વૈજ્ઞાનિક શોધખોળોથી યૂરોપના વિજ્ઞાનશાસ્ત્રીઓએ હાલમાં સિદ્ધ કર્યું છે કે હું, તમે, સૂર્ય, ચંદ્ર અને તારાઓ, સર્વે વસ્તુઓ સમષ્ટિરૂપી એકજ અપરિમિત મહાસાગરનાં નાનાં મોટાં મોજાંઓ છીએ; પરંતુ હિંદુ માનવશાસ્ત્રે તો હજારો વર્ષ પૂર્વેથી એ વાત સાબીત કરી મૂકેલી છે. વળી તેથી પણ આગળ વધીને વેદાન્તે સમજાવ્યું છે કે દૃશ્યમાન થતા સર્વે જડ પદાર્થોની પાછળ સત્તા રૂપે રહેલો આત્મા પણ એકજ છે. કુંબાકોનમથી સ્વામીજી મદ્રાસ ગયા.