પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩૧
મદ્રાસમાં અપૂર્વ માન.


પ્રગટી નીકળશે અને તેનો ઉત્કર્ષ સધાશે. સામાજીક સુધારા કે રાજ્યવિષય; સુધારો હિંદના હૃદયને ખેંચી શકતો નથી, તેનું એજ કારણ છે કે પ્રજાનો આત્મા હજારો વર્ષથી ધર્મ સાથેજ બંધાઈ રહેલો છે. માટે હિંદુઓનું પ્રથમ કર્તવ્ય એજ છે કે ઉપનિષદો, મઠો અને અરણ્યોમાં દટાઈ રહેલા અદ્ભૂત ધાર્મિક સત્યોને બહાર કહાડી રાજમહેલોથી તે ઝુંપડાં સુધી–દરેક સ્થળમાં તેનો પ્રચાર કરવો અને પ્રજાના આત્માને જાગૃત કરવો. પ્રજામાં આવી ધાર્મિક જાગૃતિ લાવ્યા સિવાય સામાજીક કે રાજ્યવિષયક સુધારો હિંદમાં વ્યર્થજ જશે એમ સ્વામીજીને તેમનો અનુભવ કહી રહ્યો હતો.

ભારતવર્ષમાં અનેક મનુષ્યો સ્વદેશાભિમાનનો ઝુંડો હાથમાં લઈને ફરતાં જણાય છે; અનેક મનુષ્યો સ્વદેશસેવા, દેશભક્તિ, વગેરેની વાતો કરતા માલમ પડે છે; કેટલાક સભાઓ, કોન્ફરન્સો અને કોંગ્રેસોમાં વાક્યાતુર્યથી ભારે ગર્જનાઓ કરી ક્ષણવાર લોકપ્રીતિ પ્રાપ્ત કરતા નજરે પડે છે; પરંતુ તેમના ઉદ્‌ગારો હૃદયમાંથી નીકળતા હોય એમ જણાતું નથી. તેમની દેશસેવા કે લોકભક્તિ માત્ર મુખમાંજ રહેલી હોય છે. એવી શુષ્ક સેવા ભારતવર્ષના આત્માને સ્પર્શ કરી શકતી નથી. સેવાના એવા મિથ્યા ડોળથી ભારતવર્ષનું કલ્યાણ સધાતું નથી. ભારતવાસીઓની સ્વદેશ પ્રીતિની પરિક્ષા કરવાને સ્વામીજી તેમને નીચેના પ્રશ્નો પૂછી રહ્યા હતા;—

“લોકોને માટે તમને લાગણી થાય છે ? પ્રાચીન ઋષિઓ અને દેવતાઓના કરોડો વંશજો જંગલી જેવા બની રહેલા છે એ જોઇને તમને ખેદ થાય છે ? ઘણાં વરસથી હજારો મનુષ્યો ભૂખમરો વેઠી રહેલાં છે અને આજે પણ ઘણાં ક્ષુધાથી પીડાય છે એ જોઈને તમારો જીવ બળે છે ? એક કાળા વાદળાની માફક અજ્ઞાન ભારતવર્ષ ઉપર છવાઈ રહેલું છે તે તમને દેખાય છે ? એ જોઇને તમારા મનમાં