પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


ક્ષોભ ઉત્પન્ન થાય છે ? એ જોઇને રાતે તમને નિંદ્રા ન આવે એવું બને છે ? એ વિચાર તમારા રક્તમાં, શિરાઓમાં અને હૃદયના ધબકારાઓમાં પ્રવેશ કરી રહેલો છે ? એ વિચારથી તમે ગાંડા જેવા બની રહેલા છો ? તમે તમારૂં નામ, કીર્તિ, સ્ત્રી, પુત્રાદિ, માલમિલકત અને શરીરને પણ ભૂલી જઈ ભારતવર્ષના દુઃખના વિચારમાં તલ્લીન થઈ રહેલા છે ? સ્વદેશભક્તિનું એજ પ્રથમ લક્ષણ છે. જો ઉપર દર્શાવેલી લાગણીઓ તમારામાં હશે તો તમારામાંના દરેક જણ અદ્ભુત કાર્યો કરી શકશે. તમારે ભાષણો કરવાની જરૂર નથી, તમારૂં મુખજ તમારો ભાવ પ્રદર્શિત કરશે. તમે એક ગુફામાં ભરાઈ રહેશો તો પણ તમારા પ્રબળ વિચારો પત્થરની દિવાલોને પણ તોડીને બહાર પ્રસરશે. કોઈપણ ઉત્કટ વિચાર, ખરી લાગણી અને પવિત્ર હેતુની સત્તા એવી જબરી છે.”

સ્વામીજીનું બીજું ભાષણ “આર્યજીવનમાં વેદાન્તનું સ્થાન” એ વિષય ઉપર થયું હતું. મદ્રાસમાં તેમણે જે ભાષણો આપ્યાં હતાં તેમાં સ્વામીજીએ ભારતવર્ષને લગતા કેટલાક પ્રશ્નોનું નિરાકરણ દર્શાવ્યું છે. હિંદુઓમાં પેસી ગયેલી અવ્યવસ્થા, અશ્રદ્ધા અને મતમતાંતરો સામે તેમણે સખત પોકાર ઉઠાવ્યો છે અને પ્રાચીન ઋષિઓના સિદ્ધાંતોમાં રહેલી એકવાક્યતાનું ભાન કરાવ્યું છે. હિંદુ તત્વજ્ઞાન કે ધર્મ તરફ શંકાની નજરથી જોનાર હિંદુઓને તેમણે એકતરફી, અધુરા વિચારના અને પાશ્ચાત્ય શિક્ષણથી ખોટે માર્ગે ચ્હડી ગયેલા કહી વખોડ્યા છે અને હિંદના સાધુઓનાં જીવનરહસ્યો સમજાવી, શાશ્વત સુખ અને અનુપમ સામર્થ્ય સંપાદન કરવાની કુંચી બતાવી છે. એટલા માટે તેમનાં ભાષણોનો કંઈક સાર અહીંઆં આપવો આવશ્યક લાગે છે.