પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


કરીને તે પ્રમાણે પોતાના ચારિત્ર્યને ઘડવું.

ઉપર પ્રમાણે સ્વામી વિવેકાનંદે આપણને ઉત્સાહ અને બળની કુંચી સમજાવી છે. આર્થિક, સામાજીક, ઔદ્યોગિક, વગેરે સર્વ પ્રવૃત્તિઓમાં નીતિ, ઔદાર્ય, ઉત્સાહ અને બળ પ્રેરવાને માટે ઉપનિષદોનું અધ્યયન આવશ્યક છે; કેમકે ઉપનિષદો એ નીતિમત્તા અને આત્મબળની ખાણ છે.

સ્વામીજીનું ત્રીજું ભાષણ “હિંદુસ્તાનના ઋષિમુનિઓ” એ વિષય ઉપર થયું હતું. ઋષિઓનું સ્મરણ કરાવતાં સ્વામીજીના મનમાં ભારતવર્ષનો કીર્તિવંત પ્રાચીન સમય ખડો થઈ રહ્યો. એ પ્રાચીન સમયનો પુરેપુરો ઇતિહાસ આપણને મળી આવતો નથી. આપણી પૌરાણિક કથાઓમાંથી તેના ગૌરવનો કંઈક કંઈક ભાસ આપણને થાય છે. હિંદુ શાસ્ત્રોમાં જે નિત્ય સત્યોને પ્રતિપાદન કરવામાં આવેલાં છે, તે નિત્ય સત્યોના દૃષ્ટા ઋષિઓ કહેવાય છે. “ઋષિ” એટલે શું ? સ્વામીજીએ એ વિષે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, પરમાર્થિક સત્યોનો સાક્ષાત્કાર કરવાને માટે તેઓ સઘળી ભૌતિક આસક્તિઓને દૂર કરી એકનિષ્ઠ અભ્યાસ કરીને મન, ઇંદ્રિયો અને પ્રાણથી પણ અતીત એવા પરમાત્મ તત્ત્વનો સાક્ષાત્કાર કરી ચૂક્યા હતા. તેઓ રાગ દ્વેષથી વિમુક્ત હતા. તેઓ જગતને હલાવી મૂકે તેવા ચારિત્ર્યવાન અને ભવ્ય હતા. પારમાર્થિક સત્યોનો સાક્ષાત્કાર કરીને તેઓ અખિલ વિશ્વના લોકોને કહી રહ્યા હતા કે, “બાળકો ! તમે હજી ઇંદ્રિયોનાજ ગુલામ છો, પણ એ ઇંદ્રિયસુખ તો ક્ષણિકજ છે. એ સુખને અંતે તો દુઃખજ રહેલું છે. માટે એવા સુખની આસક્તિ ત્યજી સત્ય સુખના પ્રેમી બનો.”

પોતાનાં એક ભાષણમાં સ્વામીજીએ હિંદના કેટલાક અવતારી પુરૂષોની અગત્યતા અને મહત્તા સમજાવી હતી. તેમણે કહ્યું હતું કે