પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


દરેક ધર્મમાં–પંથમાં–સર્વત્ર એક સરખું જ સત્ય નિહાળી રહે; સર્વત્ર એકજ પ્રભુ વ્યાપી રહેલો છે એવો અનુભવ અનુભવી રહે; મનુષ્ય, પ્રાણી, પદાર્થ, દરેક વસ્તુમાં પ્રભુનેજ જુવે; ગરિબ, દુઃખી, નિર્બળ, અસ્પર્શ્ય વગેરેને માટે જેનું હૃદય રડી રહે; હિંદમાં કે હિંદની બહાર વસ્તી પ્રજાઓના કલ્યાણ માટે જેનું ઉદાર અને દયાર્દ્ર ચિત્ત ટળવળી રહે; જ્ઞાતિબહિષ્કાર પામેલા કે મોટાઓના દાબ નીચે દબાઈ રહેલા મનુષ્યને માટે જેનો આત્મા કકળી રહે; જેની ભવ્ય અને તેજસ્વી બુદ્ધિ સર્વે વિરોધિ પંથોમાં સલાહ શાંતિનો વાસ કરાવવાની ઈચ્છા ધરી રહે; જે સર્વત્ર શાંતિનો પ્રચાર કરે અને જે બુદ્ધિયુક્ત પણ હૃદયની વિશાળતાથી ભરેલા સર્વસંગ્રાહ્ય ધર્મને પ્રવર્તાવી રહે; એવા અદ્‌ભુત પુરૂષનો ભારતવર્ષમાં જન્મ થયો હતો. તે મહાપુરૂષનાં પવિત્ર ચરણ કમળ આગળ ઘણાં વર્ષ સુધી બેસવાને હું ભાગ્યશાળી થયો હતો. તેમણે વાંચવા લખવાની વિદ્યા સંપાદન કરી નહોતી. તેમનામાં અગાધ બુદ્ધિ હતી પરંતુ તે પોતાનું નામ પણ લખી શકતા નહોતા. આધુનિક સ્થૂલ દૃષ્ટિએ અભણ છતાં પણ દરેક જણને–આપણી યુનિવર્સિટિના મહાબુદ્ધિશાળી ગ્રેજ્યુએટોને પણ–તેમનામાં બુદ્ધિનો અખૂટ સાગર ઉછળી રહેલો માલમ પડતો.” રાગદેષ રહિત, સર્વત્ર પ્રભુનેજ જોનાર એ મહાપુરૂષની ઝાંખી કરાવીને સ્વામીજીએ સર્વને સમજાવ્યું છે કે ભારતવર્ષમાં બુદ્ધિ અને હૃદય બંનેનો વિકાસ સાથે સાથે થવો આવશ્યક છે. પ્રભુભક્તિ કે બ્રહ્મજ્ઞાનમાં લોકહિત કે જનદયાની લાગણી તેમણે વધારી છે. हरिरेव जगत् जगदेव हरिः । મહામંત્રને તેમણે તાજો કર્યો છે. માળા લઇને પવિત્ર જાન્હવીને કિનારે બેસી રહેનાર પ્રભુ ભક્ત કરતાં વિશ્વને પ્રભુ સ્વરૂપ સમજી, દીન દુઃખી, અનાથમાં પ્રભુને જોનાર અને સર્વત્ર આત્મભાવ પ્રગટાવી જગતની સેવા કરનાર ભક્તને