પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


હિંદને ઉદ્દેશીનેજ હતાં. સ્વામીજી મદ્રાસમાં રહ્યા ત્યાંસુધી નવા અને જુના વિચારના પુષ્કળ લોકો તેમની પાસે આવતા. વેદની જુદી જદી શાખાઓ અને તત્ત્વજ્ઞાનના જુદા જુદા વિષયોમાં પારંગત થયેલા પુરુષો પણ તેમની પાસે આવતા અને તેમનું અગાધ જ્ઞાન જોઈને ચકિત થતા. એક દિવસ વેદની વૈખાનસ શાખામાં પારંગત થયેલા એક વૃદ્ધ પંડિત તેમની પાસે આવ્યા અને પુષ્પોથી સ્વામીજીની પૂજા કરીને જાણે કે સ્વામીજી તેમની શાખાના આદ્ય ઋષિ વિખાનસ હોય તેમ તેમની સામે જોઈ રહ્યા. તે વૃદ્ધની આંખો હર્ષનાં અશ્રુથી ભરાઈ રહી. વિખાનસ ઋષિ વૈખાનસ શાખાના મૂળ પુરૂષ હોઈને તે શાખાના અનુયાયીઓ તેમને વિષ્ણુનો અવતાર માને છે. એ શાખામાં કર્મયોગને મુખ્ય ગણેલો છે. તે પંડિતને સ્વામીજીએ કર્મયોગ સમજાવ્યો; તે ઉપરથી તે વૃદ્ધ પંડિત બોલી ઉઠ્યા કે, અરે સ્વામીજી ! વેદની વૈખાનસ શાખાના સિદ્ધાંતોમાં પણ તમે મારા કરતાં વધારે જાણો છો ! મારા બાળપણથી જ હું તે શાખાની દંતકથાઓ અને સિદ્ધાંતોમાં ઉછરતો આવ્યો છું, પણ તમારા જેટલું હું જાણતો નથી !”

વાંચકને સમજાશે કે સ્વામી વિવેકાનંદનું જ્ઞાન અને ચારિત્ર્ય યુવકો અને નવા વિચારના મનુષ્યોનેજ આકર્ષી રહ્યાં હતાં એમ નહિ પણ જુના વિચારના વૃદ્ધ મનુષ્યો ઉપર પણ તે ઉંડી છાપ પાડી રહ્યાં હતાં.