પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪૭
કલકત્તામાં આગમન.


આવ્યું હતું. રીપન કૉલેજ આગળ લોકોની ભારે ભીડ થઈ રહી હતી. સ્વામીજી બગીમાં બેઠા કે તરતજ ઘોડા છોડી નાંખવામાં આવ્યા ! સુંદર અને ભવ્ય દેખાવવાળા કેટલાક બંગાળી યુવાનો તેમની ગાડીને ખેંચીને લઈ જવા લાગ્યા. તેમાંના ઘણા તો વિદ્યાર્થીઓજ હતા. કેટલીક ભજનીક મંડળીઓ પણ વરઘોડામાં સામેલ થઇને ઘણાજ ભાવથી ભજનો ગાતી ચાલતી હતી. આખા વરઘોડામાં ધાર્મિક ઉત્સાહ પ્રસરી રહ્યો હતો. આખે રસ્તે બંને બાજુએ અસંખ્ય સ્ત્રીપુરૂષો સ્વામીજીનાં દર્શન કરવાને ઉભાં હતાં. બધાંની વચમાં એક વૃદ્ધ બ્રાહ્મણનો પૂજ્યભાવ સર્વેની દૃષ્ટિ ખેંચી રહ્યો હતો. તે વૃદ્ધ બ્રાહ્મણ રસ્તાની જરાક બહાર ઉભો હતો અને સ્વામીજીને આઘેથી આવતા જોઈને વારંવાર નમન કરી રહ્યો હતો. મુખેથી “શંકર, શંકર ” તે ઉચ્ચારતો હતો અને તેની આંખમાંથી પ્રેમનાં અશ્રુ ટપકી રહ્યાં હતાં.

કોલેજ આગળ સ્વામીજીને ઉતારી લેવામાં આવ્યા. અહીંઆં તેમને ભારે આવકાર આપવામાં આવ્યો હતો. કલકત્તાના શહેરીઓ તરફથી માનપત્ર આપવાનું હાલ મુલ્તવી રાખીને સ્વામીજીને ગોપાળલાલ સીલના બગીચામાં ઉતારો આપવામાં આવ્યો હતો. આ સ્થળે હવે ગામે ગામથી ધન્યવાદ અને નિમંત્રણના ઉપરા ઉપરી તાર આવવા લાગ્યા. રૂબરૂમાં પણ હજારો મનુષ્યો તેમનાં દર્શને અને મુલાકાતે આવતાં અને સ્વામીજીની વિલક્ષણ બુદ્ધિ સર્વેના મનમાં નવોજ પ્રકાશ પાડતી. સ્વામીજી શ્રમથી જરા પણ ન કંટાળતાં ઘણાજ પ્રેમથી સર્વેના મનનું સમાધાન કરતા.

૧૮૯૭ના ફેબ્રુવારીની ૨૮ મીનો દિવસ કલકત્તાની સમસ્ત હિંદુ પ્રજાને મન મહોત્સવનો દિવસ હતો. તે દિવસે સ્વામી વિવેકાનંદ–તેમના વ્હાલા નરેન્દ્રને કલકત્તાવાસીઓ માનપત્ર આપવાના