પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


હતા. શોભા બજારમાં રાજા સર રાધાકાન્ત દેવ બહાદુરના મહેલમાં માનપત્ર આપવાનું હોવાથી લગભંગ પાંચ હજાર માણસોનો જમાવ ત્યાં થઈ રહ્યો હતો. સભાનું પ્રમુખસ્થાન રાજા વિનય કૃષ્ણ દેવ બહાદુરને આપવામાં આવ્યું હતું.

સભામાં ઘણા રાજાઓ, મહારાજાઓ, સંન્યાસીઓ, પંડિતો અને કલકત્તાના મુખ્ય શેહેરીઓ આવેલા હતા. કેટલાંક નામાંકિત યૂરોપિયનો પણ સ્વામીજીની કીર્તિથી આકર્ષાઈને ત્યાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓનો તો પારજ નહોતો. સ્વામીજીની યોગ્ય ઓળખાણ કરાવ્યા પછી પ્રમુખે માનપત્ર વાંચી સંભળાવ્યું. માનપત્ર બંગાળીઓની લાગણીઓ અને સ્વામીજી તરફના પૂજ્યભાવથી ભરપૂર હતું. તેમાં જણાવ્યું હતું કે, આપનો ઉંડો શાસ્ત્રીય અભ્યાસ અને આપનું વિલક્ષણ બુદ્ધિ સામર્થ્ય, આપને ઉપદેશક તરીકે અસામાન્ય વિજય અપાવે, એવાજ આપના એ મહાન વિજયમાં આપના ઉત્તમ ચારિત્ર બળે સોનામાં સુગંધની પેઠે અસામાન્ય ઉમેરો કરી આપ્યો છે. આપનાં ભાષણો, નિબંધો અને પુસ્તકો એવાં ઉત્તમ છે કે તેણે ધર્મ અને સાહિત્યના ક્ષેત્રમાં ભારે અસર ઉપજાવી મૂકી છે. આપનું સાદું, પવિત્ર, પ્રમાણિક અને સ્વાર્થત્યાગી જીવન અને આપનાં વિનય, કાર્યપરાયણતા અને ઉત્કટ અભિલાષાથી આપના ઉપદેશોની અસર શ્રોતાઓ અને વાંચકો ઉપર બહુજ સચોટ થાય છે.

માનપત્રનો સ્વામીજીએ આપેલ જવાબ ઉત્કટ સ્વદેશ ભક્તિથી ભરપુર તેમજ વક્તૃત્વકલાના નમુના રૂપ હતો, હિંદુઓને પોતાના ધર્મનું અને રાષ્ટ્રનું ભાન થાય તો તેઓ કેવાં કેવાં અલૌકિક કાર્યો કરી શકે તેનો ખ્યાલ સ્વામીજીએ માનપત્રના જવાબમાં આપ્યો હતો. વળી પ્રજાકીય અને જાહેર જીવનના નવા નવા માર્ગો તેમણે સર્વેની આગળ રજુ કર્યા હતા. સમસ્ત હિંદુ પ્રજાની આગળ શ્રી રામકૃષ્ણ