પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


થતાં સુધી તેને તેમજ કર્યા કરવું પડે છે.” આ સિવાય સ્વામીજીએ પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને હિંદુ તત્વજ્ઞાન વચ્ચે મોટો ભેદ એ જણાવ્યો કે, “હિંદુઓ સઘળી શક્તિઓ, પવિત્રતા, મહત્તા, સઘળું આત્મામાંજ રહેલું માને છે અને આત્માના વિકાસ કરી તે શક્તિઓને ખીલવવી એટલુંજ મનુષ્યને કરવાનું છે. તે ખીલવણી સાત્વિક વૃત્તિની વૃદ્ધિ થવાથી આપો આપજ થવા માંડે છે. જીવાત્માની આ ખીલવણીને રોકે અથવા તેને સંકુચિત કરે એવા કર્મનું નામ દુષ્કર્મ છે અને તેની પવિત્રતાનો તથા પૂર્ણતાનો વિકાસ કરનારૂં કર્મ તે સત્કર્મ છે.”

કલકત્તામાં સ્વામીજી કેટલોક સમય ગોપાળલાલ સીલના બગીચામાં અને કેટલોક સમય આલમબજાર મઠમાં વ્યતીત કરતા. વળી શ્રી રામકૃષ્ણના ભક્તોને ઘેર પણ તે જતા આવતા. કલકત્તાના ધનાઢ્ય પુરૂષો તેમને પોતાને ઘેર લઈ જઈ તેમનાં પવિત્ર પગલાંથી પોતાનું ઘર અને જાત પાવન થયેલાં ગણતાં. વળી ગરિબમાં ગરિબ મનુષ્યો પણ સ્વામીજીને આમંત્રણ આપતા અને સ્વામીજી ઘણીવાર દુઃખી અને ગરિબ મનુષ્યોનાં મકાનમાં ફરી તેમને આશ્વાસન આપતા નજરે પડતા.

કલકત્તાના ઘણા પ્રતિષ્ઠિત પુરૂષો, ધંધાદારીઓ, યુવાનો અને કૉલેજના અસંખ્ય વિદ્યાર્થીઓ સ્વામીજી પાસે દરરોજ સીલના બગીચામાં આવતા. કેટલાક માત્ર તેમનાં દર્શન કરવાનેજ આવતા તો કેટલાક પ્રશ્નો પૂછવાને અને કેટલાક તેમના જ્ઞાનની પરિક્ષા કરવાને પણ આવતા. તત્ત્વજ્ઞાનના મોટા મોટા અભ્યાસકો અને યુનિવર્સિટિના મોટા મોટા પ્રોફેસરો સ્વામીજીની વિલક્ષણ બુદ્ધિ અને તત્વજ્ઞાનને જોઇ ચકિત થઈ જતા. જાણે કે સાક્ષાત્‌ સરસ્વતીજ તેમના મુખદ્વારા બોલતી હોય તેમ સર્વને લાગતું અને તેમના કહેવાની ઉંડી