પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫૩
કલકત્તામાં આગમન.


છાપ સર્વેનાં હૃદય ઉપર પડી રહેતી.

સ્વામીજીનું લક્ષ્ય ખાસ કરીને કલકત્તાના સુશિક્ષિત પણ અવિવાહિત યુવાનો તરફ વધારે ખેંચાતું. ભારતવર્ષના ઉદયનો આધાર તેના યુવાનો ઉપર રહેલો ધારીને સ્વામીજી તેમની સાથે બહુજ છૂટથી વાર્તાલાપ કરતા. તેમાંના જે મજબુત બાંધાના અને ધાર્મિક વૃત્તિવાળા હોય તેમને જગતના હિત માટે અને પોતાના આત્માના કલ્યાણ માટે શિક્ષણ આપી તૈયાર કરવા એવી તેમની ઈચ્છા હતી. યુવાનોની શારીરિક નિર્બળતાને માટે સ્વામીજી ઘણીજ દિલગીરી દર્શાવતા અને તેમાંના કેટલાકે કરેલાં બાળલગ્નને ધિકારતા. યુવાનોમાં આત્મશ્રદ્ધાનો અભાવ જોઈને તેઓ તેમને આત્મશ્રદ્ધાની મહત્તા સમજાવતા. આપણા પ્રાચીન શિક્ષણ અને આદર્શો તરફ તેમની અશ્રદ્ધા જોઈને સ્વામીજીને ભારે ખેદ થતો અને એ શિક્ષણ અને આદર્શો તરફ હજી પણ અલક્ષ્ય રાખવામાં આવશે તો હિંદુજીવન છેવટે સમૂળુ નષ્ટ થઈ જશે એમ તે યુવાનોનાં હૃદયમાં દૃઢ ઠસાવતા. યુવાનો પ્રત્યે સ્વામીજીનું વર્તન અને બોધ અત્યંત પ્રીતિ અને મમતાથી ભરપુર હતાં. તેમના અંતઃકરણમાંથી પ્રેમનો ઝરો વહી રહ્યો હતો. તેમની પાસે બેસનારા યુવાનો જાણે પ્રેમના મહાસાગરમાંજ નાહી રહ્યા હોય એવું તેમને લાગતું. સ્વામીજીના આવા પ્રબળ પ્રેમ અને સુબોધના પ્રભાવથી ઘણા યુવાનો સ્વામીજી તરફ આકર્ષાઈ તેમના અનુયાયીઓ બન્યા અને કેટલાક તો તેમના ચુસ્ત શિષ્યોજ થઈ રહ્યા.

સીલના બગીચામાં એક વખત એક વૈષ્ણવ સાધુ આવીને વૈષ્ણવ ધર્મ સંબંધી વાત કરવા લાગ્યો. તેનું ધારવું એમ હતું કે સ્વામીજી વેદાન્તનો બોધ કરવા આડે વૈષ્ણવ ધર્મનું રહસ્ય પાશ્ચાત્યોને સમજાવવાનું ભૂલી ગયા હતા ! એ વૈષ્ણવ સાથે કેટલીક વાતચીત કર્યા પછી સ્વામીજીએ કહ્યું કે, “બાબાજી, એક વખત અમેરિકામાં મેં