પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬૫
રામકૃષ્ણા મિશનની સ્થાપના.


પવિત્રતા અને ધાર્મિકતાનું વાતાવરણ પ્રસરી રહેતું.

૧૮૮૭ ના મે માસની પહેલી તારિખે બપોરના ત્રણ ચાર વાગ્યાને સુમારે શ્રીરામકૃષ્ણના સઘળા શિષ્યો–સંન્યાસીઓ અને ગૃહસ્થો–બલરામ બાબુને ઘેર એકઠા થયા હતા. સ્વામીજીએ સર્વેને આમંત્રણ મોકલ્યાં હતાં. અત્યાર સુધી શ્રીરામકૃષ્ણના સંન્યાસી અને ગૃહસ્થાશ્રમી શિષ્યો વચ્ચે કોઈપણ જાતનું સહકારિત્વ હતું નહિ. તેઓ પોતાને ફાવે તેમ પ્રભુભક્તિ અને પરોપકાર કરી રહ્યા હતા. તેમની ધાર્મિક અને પરોપકારી પ્રવૃત્તિઓને વ્યવસ્થામાં લાવી મૂકવાનો સ્વામીજીનો ઘણા વખતથી વિચાર હતો. સર્વ આવી રહ્યા પછી સ્વામીજી કહેવા લાગ્યા કે; “મારા જુદા જુદા દેશોના અનુભવ ઉપરથી હું એવા સિદ્ધાંત ઉપર આવેલો છું કે આપણી પ્રવૃત્તિઓની બરાબર વ્યવસ્થા કર્યા વગર તેમાંથી કોઈપણ જાતનું કાયમનું કે મોટું ફળ નિપજી શકવાનું નથી. અહીંંની હાલની સ્થિતિ જોતાં, પ્રજાસત્તાક રાજ્યોમાં થાય છે તેમ દરેક સભાસદને સરખો હક મળે અને ઠરાવ વધુ મતે પસાર થાય તે મુજબ કામ કરવું એવી પદ્ધતિ મને ઉચીત લાગતી નથી. જ્યારે આપણે સ્વાર્થ કરતાં સમાજ કે પ્રજાના હિતને વધારે અગત્યનું ગણતાં શિખીશું ત્યારેજ આપણને એ પદ્ધતિ માફક આવશે. માટે હાલમાં તો આપણે આપણા સમાજનો કોઈ પણ નેતા નીમવો જોઇએ અને એ નેતાની આજ્ઞાને સર્વએ માનવી જોઈએ.”

“જેના નામથી દોરાઈને અમે બધા સંન્યાસી થયેલા છીએ, જેને પોતાના ગુરૂ તરિકે ગણીને તમે બધા ગૃહસ્થ ભક્તો સંસારની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ રહેલા છો, જેનું પવિત્ર નામ અને જેના અદ્‌ભુત જીવન અને બોધની અસર ફક્ત બાર વરસમાંજ પૂર્વ અને પશ્ચિમના પ્રદેશોમાં પ્રસરી રહેલી છે, તે શ્રીરામકૃષ્ણ પરમહંસના નામ ઉપરથી આપણા સંઘ અથવા સમાજનું નામ “રામકૃષ્ણ મિશન” રાખવું ઠીક જણાય છે.”