પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કુલ વૃત્તાંત.


અને વકીલાતનો ધંધો આરંભ્યો. તેમાં તેમની ખ્યાતિ વધી. બાપે તેમને વારસામાં દ્રવ્ય આપ્યું હતું તે ઉપરાંત પોતે પણ ઘણું કમાયા. તેમની ખ્યાતિ ચારેપાસ પ્રસરવા લાગી. એક ભવ્ય મકાન તેમણે બંધાવ્યું અને તેમાં ઘણા ઠાઠથી રહેવા લાગ્યા. આથી કરીને તેમનું કુટુંબ “રાજેશ્રી દત્ત કુટુંબ” એ નામથી ઓળખાવા લાગ્યું. મકાનની આસપાસ સુંદર બગીચો અને કમ્પાઉન્ડ કરાવી દીધું હતું. મકાનના મુખ્ય દ્વાર પાસે એક ઓરડીમાં એક દરવાન સદાએ બેસતો. આગલા ખંડની અંદરની બાજુએ દ્વાર પાસેજ એક આરામ ખુરશી પડી રહેતી. તે ખુરશી ઉપર વિશ્વનાથ અને તેમના પછી તેમનો પ્રખ્યાત પુત્ર વિવેકાનંદ બેસતા. એ ખુરશી હાલમાં ભાંગી તૂટી સ્થિતિમાં છે તો પણ તેની તેજ જગ્યાએ પવિત્ર યાદગીરિ તરીકે સંભાળી રાખવામાં આવી છે. આગલા ખંડની પછવાડે પથ્થરથી બંધાવેલો મોટો ચોક હતો. એ ચોકની અંદર દુર્ગાપૂજાનો મોટો ઠાઠ થતો. ચોકની આગળ રસોડુ અને પૂજા કરવાની ઓરડી આવેલાં હતાં. તેની પાસે સ્ત્રીઓ અને પુરૂષોને રહેવાના જુદા જુદા બબ્બે માળના ખંડો હતા. મકાન ઘણું વિશાળ અને કોતરકામથી અલંકૃત હતું. વિશ્વનાથ તેમાં રહી ઘણી સ્વતંત્રતા અને વિલાસ ભોગવતા, પણ તેમના વિલાસ ઉત્તમ પ્રકારના હતા. તેમને વ્યસન માત્ર વિદ્યાનું હતું. વિદ્યાની સાથે જ તે રમત રમતા. ઇતિહાસ તેમનો ખાસ વિષય હતો, તેમાં ઉંડા ઉતરી અનેક શોધો કરવાને તે ઘણા આતુર હતા. જગતની સમસ્ત પ્રજાઓના ઈતિહાસનો અભ્યાસ કરી, તેમાંથી સર્વ સામાન્ય નીતિને ઉપજાવી કહાડવી એ તેમનો મુખ્ય આશય હતો. તેમનું હૃદય ઘણુંજ દયાર્દ્ર હતું અને તેથી તે ઘણો પૈસો પરોપકારમાં વાપરતા. તે એટલું બધું દાન કરતા કે તે ગરીબના પિતા કહેવાતા. તેમની આવક સાધારણ રીતે સારી હતી, પણ તેમની પરોપકાર વૃત્તિને