પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬૯
રામકૃષ્ણ મિશનની સ્થાપના.


વિચારોનો અસંખ્ય રીતે વિકાસ કરી શકાય તેમ છે; પરંતુ તેઓ મારા શરીરદ્વારા પોતાનું કાર્ય કરવા ઇચ્છતા હોય અને મને તેમના સાધન તરિકે વાપરતા હોય, ત્યારે તો હું માત્ર તેમની ઈચ્છાનેજ વશ થાઉં છું.”

ખરેખર, ભગવાન શ્રીરામકૃષ્ણનું જીવન એવું તો વિશાળ અને ઊંડું હતું કે તેમના સર્વ શિષ્યો તે વિશાળતા અને ઉંડાણને નજ જોઈ શકે. તેમનું અત્યંત ઉદાર ચરિત અને તેમનું વિશાળ હૃદય, તેમના અલૌકિક ઉદ્‌ગારો તથા સમાધિ પ્રસંગો અને મોક્ષ પ્રાપ્તિના ઉપદેશ લોકોની સ્થળ દૃષ્ટિને ન દેખાય એ સ્વાભાવિકજ છે. શ્રીરામકૃષ્ણના જીવનને બધી રીતે સમજાવવાનું કાર્ય તેમના પટ્ટ શિષ્ય સ્વામી વિવેકાનંદને સોંપવામાં આવ્યું હતું. મહાબુદ્ધિશાળી વિવેકાનંદજ પોતાના ગુરૂને બરાબર સમજી શકતા હતા. પોતાના ગુરૂને પગલે ચાલીને વૈરાગ્ય અને જનસેવા, એક બીજાનાં વિરોધી હોવાનો ખોટો ખ્યાલ તેમણે હિંદવાસીઓનાં હૃદયમાંથી કહાડી નાખ્યો છે. મનુષ્યમાં રહેલી દૈવી શક્તિઓ અને લાગણીઓને જનહિતનાં કાર્યોમાં વહેવરાવવાને અને વિવિધ પ્રકારે ધર્મનો પ્રચાર કરવાને સારુજ તેમણે “રામકૃષ્ણ મિશન” સ્થાપેલું છે. “ત્યાગ અને જનસેવા” એ તેનો આદર્શ છે. સ્વામી વિવેકાનંદ દૃઢપણે માનતા હતા કે આધુનિક હિંદનો પ્રજાકિય આદર્શ, “ત્યાગ અને સેવાનો”જ હોવો જોઈએ.

સ્વામી વિવેકાનંદનું ચરિત્ર સમજવામાં એટલું યાદ રાખવું જોઇએ કે પ્રસંગને અનુસરીને તેમના વિશાળ હૃદયમાં વિવિધ ભાવો ઉત્પન્ન થતા. ભક્તિનો પ્રસંગ આવતાં તેમનું હૃદય ભક્તિભાવથી ઉભરાઈ જતું અને જ્ઞાનનો પ્રસંગ નીકળતાં જ્ઞાનની ટોચે ચ્હડી જતું. સ્વદેશાભિમાનની વાત કરતાં તે કર્મ યોગ અને સ્વદેશપ્રીતિમાં તરબોળ