પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


આંસુ આવી ગયાં હતાં.”

સ્વામીજીને પૂછવામાં આવ્યું કે “પવિત્ર ભારતવર્ષમાં બ્રાહ્મણ તરિકે શરીર ધારણ કરવાને બદલે સાયણાચાર્ય મ્લેચ્છ શરીરમાં કેમ જન્મ્યા હશે ?”

સ્વામીજીએ જવાબ આપ્યો કે “વેદોનો અર્થજ જેને સમજાવવો છે અને ઉચ્ચ જ્ઞાનની સાક્ષાત્‌ મૂર્તિજ જેને થઈ રહેવું છે, તેને મન ન્યાત જાત કે વર્ણના ભેદનો શો અર્થ છે ? જગતના કલ્યાણને માટે તે ફાવે ત્યાં જન્મ ધારણ કરે છે. જ્યાં ઘણી વિદ્યા અને લક્ષ્મીએ વાસ કરેલો છે એવા પશ્ચિમના પ્રદેશમાં જો તે જન્મ્યા ન હોત તો આવું મહત્ કાર્ય કરવાને જોઈએ તેટલું દ્રવ્ય તેમને ક્યાંથી મળ્યું હોત ? તમે સાંભળ્યું નથી કે ઈસ્ટ ઇંડિઆ કમ્પનીએ ઋગ્વેદનું ભાષાંતર પ્રસિદ્ધ કરવાને નવ લાખ રૂપિઆની મદદ કરેલી છે અને તેટલી રકમ પણ પુરતી નહોતી. એ કાર્યમાં આપણા દેશના અનેક પંડિતોને પગાર આપીને રોકવામાં આવ્યા હતા. આ સમયમાં આપણા દેશમાં વિદ્યા અને જ્ઞાનને ઉત્તેજન આપવાને માટે એટલો મોટો ખર્ચ કરાયો જોયો છે ? મેક્સમુલરે પ્રસ્તાવનામાંજ લખેલું છે કે માત્ર હસ્તલિખિત પ્રતો તૈયાર કરવામાં જ તેમણે પચીશ વરસ ગાળ્યાં હતાં અને પછીથી તેમને છપાવવામાં બીજા વીસ વરસ ગયાં હતાં ! આ પ્રમાણે જગતને માટે વેદ જેવું પારકી ભાષાનું અસાધારણ પુસ્તક તૈયાર કરવામાં અને તેને પ્રસિદ્ધ કરવામાં જીવનનાં પીસ્તાળીસ વરસ ગાળવાં એ કાંઈ સાધારણ મનુષ્યથી બને તેમ નથી. હું મેક્સમુલરને આ જમાનાનો સાયણાચાર્ય કહું છું તે અમસ્થો નથી કહેતો.”

આ પ્રમાણે વાર્તા ચાલી રહી હતી એટલામાં ગિરીશ બાબુ ત્યાં આવી પહોંચ્યા. તે પણ શાંતપણે સઘળું સાંભળવા લાગ્યા. સ્વામીજી તેમના તરફ જઈને કહેવા લાગ્યા કે, “ગિરીશચંદ્ર, તમે કદીએ આવી