પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


પોતાની લાગણીઓને છુપાવવાને તે બહાર ચાલ્યા ગયા !

ગિરીશબાબુ સ્વામીજીના શિષ્યોને કહેવા લાગ્યા કે, “તમે હવે જોઈ શક્યા હશો કે તમારા ગુરૂનું હૃદય કેવું વિશાળ છે ! હું તેમને તેમના હૃદયની વિશાળતાને માટે જેટલું માન આપું છું તેટલું તેમના પાંડિત્યને માટે આપતો નથી. એ હૃદયની વિશાળતાને લીધે માનવજાતિનું દુઃખ સાંભળવા માત્રથી પણ તેમની આંખોમાં આંસુ આવી ગયાં અને તે બહાર ચાલ્યા ગયા. તમારા સ્વામીજી જેવા મોટા પંડિત છે અને જ્ઞાની છે તેવાજ તે પ્રભુના મોટા ભક્ત છે અને મનુષ્ય પ્રત્યે પ્રેમ ધરાવનારા પણ છે.”

એટલામાં સ્વામી સદાનંદ ત્યાં આવી પહોંચ્યા. તેમને જોઈને સ્વામીજી કહેવા લાગ્યા કે, “સદાનંદ, આપણા ભાઈઓની ગરિબાઈ અને દુઃખ જોઈને મારું હૃદય અત્યંત દુઃખાય છે. તમે નાના પાયા ઉપર એક અનાથાશ્રમ જલદીથી સ્થાપો અને ત્યાં ગરિબોને આશ્રય આપો અને માંદાઓને રાખીને તેમની માવજત કરો.” સદાનંદે તે પ્રમાણે કરવાની હા પાડી.

આ પ્રમાણે સ્વામીજીનું વિશાળ હૃદય દુઃખીઓનાં દુઃખ ટાળવાને તત્પર બની રહ્યું હતું; પરંતુ તેમના કેટલાક ગુરૂભાઇઓના મનમાંથી ધર્મનો એકદેશી ખ્યાલ ખસતો નહોતો. તેઓ તેમને હજી પણ કહેવા લાગ્યા કે, “શ્રીરામકૃષ્ણ ભક્તિનો ઉપદેશ કરતા અને ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાને અનેક સાધનાઓ સાધવાનું કહેતા; પરંતુ તમે તો અમને અમુક કાર્યો કરવાનું, ઉપદેશ આપવાનું અને અને ગરિબોની સેવા કરવાનું કહો છો; પણ એ સર્વે તો મનને અંતર્મુખ કરવાને બદલે વધારે બહિર્મુખ કરી મુકશે; તેથી કરીને સાધનાઓમાં વિક્ષેપ આવશે. વળી શ્રીરામકૃષ્ણ ત્યાગનો બોધ કરી રહ્યા હતા અને તમે તો સમાજ સેવાને માટે મઠ અને આશ્રમો સ્થાપવાનું કહો છો અને