પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭૫
રામકૃષ્ણ મિશનની સ્થાપના.


સ્વદેશાભિમાનની વાત કરી છે ! એ સઘળું પાશ્ચાત્યોનું અનુકરણ હોઈ શ્રીરામકૃષ્ણના આદર્શથી વિરૂદ્ધ ન કહેવાય ?”

ઉપલો પ્રશ્ન સાંભળીને સ્વામીજી ગંભીર ભાવથી બોલ્યા કે;–“તમે શું એમ ધારો છો કે તમે શ્રીરામકૃષ્ણને મારા કરતાં પણ વધારે સારી રીતે ઓળખો છે ? તમે એમ ધારો છે કે ઈશ્વરીજ્ઞાન શુષ્ક છે અને તેને શુષ્ક માર્ગેજ મેળવવાનું છે ? તેને મેળવતાં શું હૃદયની સઘળી મૃદુ લાગણીઓનો નાશ કરી નાંખવાનો છે ? તે શું મનુષ્યને બાયલો બનાવી દે છે ? જો એમજ હોય તો તમે શ્રીરામકૃષ્ણના જીવનનો માત્ર એક અંશજ સમજ્યા છો. દેશમાં કરોડો મનુષ્ય તમોગુણમાં ગરક થઈ રહેલાં છે; તેમને જાગૃત કરવાને, તેમને સ્વાશ્રયી બનાવવાનું અને તેમને ખરેખરૂં મનુષ્યત્વ પ્રાપ્ત કરાવવાને જો મારે એક હજાર વા૨ નર્કમાં જવું પડશે તો તેમ પણ હું ખુશીથી કરીશ.”

આ પ્રમાણે બોલતે બોલતે સ્વામીજીના મુખ ઉપર અલૌકિક પ્રકાશ છવાઈ રહ્યો. તેમની આંખોમાંથી તેજની અદ્ભુત જ્યોતિ વહી રહી. તેમનો અવાજ ગદ્‌ગદ્ થવા લાગ્યો. તેમનું આખું શરીર તીવ્ર લાગણીથી ધ્રૂજવા લાગ્યું. તે પોતાની લાગણીઓને વધુ વખત દબાવી શક્યા નહિ. તેમની આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યાં. તરતજ તે ત્યાંથી ઉઠીને સૂવાની ઓરડીમાં ચાલ્યા ગયા. તેમના ગુરૂભાઈઓ તેમની લાગણી દુઃખાય એવું કહેવા માટે પસ્તાવો કરવા લાગ્યા. સર્વે થોડીવાર ગુપચુપ બેસી રહ્યા. પછી કેટલાક જણ હિંમત ધરીને સ્વામીજીની ઓરડીમાં પેઠા; ત્યાં જઈને જુવે છે તો સ્વામીજી આસન વાળીને ધ્યાનસ્થ થયેલા તેમની નજરે પડ્યા. તેમના ગુરૂભાઇઓ બોલ્યા ચાલ્યા વગર થોડીવાર ઉભા રહ્યા, પછી ઓરડીની બહાર આવ્યા. આ પ્રકારે એક કલાક નીકળી ગયા પછી સ્વામીજી સમાધિમાંથી જાગીને પોતાના મિત્રો જ્યાં બેઠા હતા ત્યાં આવ્યા. થોડીકવાર તો સ્વામીજી ગુપચુપ