પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.

લીધે તેમની કમાણી કુટુંબના ખર્ચ માટે જેમ તેમ કરીને પુરતી થઈ રહેતી. તેથી તેમના મૃત્યુ પછી તેમણે પોતાનાં છોકરાંને માટે વારસામાં બાપદાદાની મિલકત સિવાય પોતાની જાતની કમાણીમાંનું કાંઈ પણ રાખ્યું નહોતું.

પ્રકરણ ૨ જું – ભુવનેશ્વરી.

વિશ્વનાથની પત્ની – વિવેકાનંદની માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. તે વિચારવંત, ધૈર્યશીલ અને દેખાવમાં ભવ્ય હતાં. અપવાસ, વ્રતાદિ તે બહુ કરતાં અને અત્યંત ધર્મિષ્ઠ હતાં. સવારે વહેલાં ઉઠીને તે પૂજા, પાઠ કરતાં અને સાંજે પણ ઇશ્વર સ્મરણમાં કેટલોક વખત ગાળતાં. પોતાની તીવ્ર સ્મરણ શક્તિને માટે તે ઘણાં પ્રખ્યાત હતાં. બપોરે ઘરનું કામ પરવાર્યા પછી રામાયણ, મહાભારતાદિ ગ્રંથો તે વાંચતાં હતાં અને તે એટલે સુધી કે તેમાંનાં કાવ્યોના મોટા મોટા ફકરાઓ તેમને કંઠે થઈ ગયા હતા. તેમની યાદદાસ્ત એટલી જબરી હતી કે જો તેમની આગળ એકજવાર એક ગીત બોલવામાં આવે તો તે તેના રાગ, શબ્દો અને ઢાળ એકી વખતેજ ગ્રહણ કરી લેતાં. જીવનના ઘણાખરા પાછલા દિવસો તેમણે જાત્રાનાં સ્થળોમાંજ ગાળ્યા હતા. કુંતાની માફક દુઃખમાં ધૈર્ય ધરવું અને વિપત્તિ સમયે ઈશ્વરમાં શ્રદ્ધા રાખી નીતિ અને ધર્મમાં જરા પણ શિથીલ ન થતાં હિમ્મતથી દુઃખ સામે થવું અને વખત આવે હિંદુ સ્ત્રીઓને યોગ્ય પુરૂષાર્થ દાખવવું એ આ મહાન સ્ત્રીના ખાસ ગુણો હતા. તેમનું બોલવું, ચાલવું એક રાજાની રાણી માફક દેખાતું હતું. અલબત્ત તે એક રાણીજ હતાં. કારણ કે તેમના પતિ–વિશ્વનાથનું જીવન