પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭૭
પંજાબ વગેરે તરફ વિચરણ.

નાંખનારને તેમના વિચારોમાં એકતા દેખાતી નહોતી; પણ બાહ્ય દેખાવતી સપાટી નીચે તેમનું સુંદર, નમનેદાર આધ્યાત્મિક જીવન એક ધારાએ વહી રહેલું દેખાઈ રહેતું હતું. તેમની સઘળી પ્રવૃત્તિઓ અને લોકહિતના વિચારો એ સર્વ તેમના આધ્યાત્મિક જીવનનાજ જુદા જુદા આવિર્ભાવો હતા. તેમના ઉંડા અને વિશાળ હદયમાં કર્મ, ભક્તિ, જ્ઞાન, પરોપકાર અને દેશાભિમાન સર્વેને માટે પુરેપુરૂં સ્થાન હતું અને તેથી કરીને જે વખતે જે વિષયની વાત ચાલતી હોય તે વખતે તે વિષયને તેઓ સર્વોપરી તરિકે દર્શાવી શકતા.

પ્રકરણ ૪૮ મું – પંજાબ વગેરે તરફ વિચરણ.

કલકત્તામાં રામકૃષ્ણ મિશનની સ્થાપના કર્યા પછી સ્વામીજી આલ્મોરા ગયા. ત્યાં થોડાક દિવસ રહ્યા પછી બરેલી, અંબાલા, અમૃતસર અને રાવલપીંડી વગેરે સ્થળોએ થોડું થોડું રહીને શ્રીનગર ગયા. આ દરેક સ્થળે તેમનો બહુ ભાવ ભર્યો સત્કાર અને માનપત્ર મળ્યાં હતાં. તેના ઉત્તરદ્વારા તેમજ બીજાં ભાષણોદ્ધારા અને ખાનગી ચર્ચાઓ વગેરે દ્વારા પોતાના જ્ઞાનનો અપૂર્વ લાભ તે સ્થળના લોકોને આપ્યો હતો.

કાશ્મીરનું સૃષ્ટિસૌંદર્ય જોવા માટે શ્રીનગરની આસપાસનાં સ્થળો તરફ સ્વામીજી નિકળી પડતા. અનેક પ્રાચીન ઐતિહાસિક સ્થળોની તે મુલાકાત લઈ ભારતવાસીઓનાં કલા કૌશલ્યનાં અને ઇમારતોની ભવ્યતાનાં ભારે વખાણ કરતા. કાશ્મીરનાં ભવ્ય ખંડેરો અને કુદરતની શોભા જોઈને સ્વામીજીની ઐતિહાસિક દૃષ્ટિ અને કલાજ્ઞાન જાગૃત થતાં અને તે ઐતિહાસિક, રાષ્ટ્રિય અને ધાર્મિક વિષયો ઉપર અનેક નવીન વિચારો તેમના મનમાં પ્રકટાવતાં.