પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


અટક્યા નથી; તેમના દોષોને માટે પણ તેમણે ઘણોએ ઠપકો આપ્યો છે. સ્વદેશાભિમાની પુરૂષ તો તેજ કહેવાય કે જે લોકોને તેમના દોષો દર્શાવે, તેમના રીત રિવાજોની અને તેમની સંસ્થાઓની ખામીઓ સમજાવી આપે અને તેમને સુધરવાનો તેમજ આગળ વધવાનો માર્ગ બતાવી આપે. આમ કરવામાં ઉચ્ચ પ્રકારની જાહેર હિંમત, દેશભક્તિ, ન્યાયીપણું અને માનવ પ્રેમની જરૂર છે. સ્વામીજીમાં એ સર્વ ગુણો હતા અને ખરેખરી વાત તો તે ઘણીજ હિંમતથી કહી દેતા. આપણા દેશની સંસ્થાઓના ચાલકો અને તેમાં આગેવાની ભર્યો ભાગ લેનારાઓમાં જોઈએતેવી હૃદયની વિશાળતા હોતી નથી. તેમનાં ઘણાંખરાં કાર્યો એકમાર્ગીજ હોય છે. એથી કરીને સંસાર સુધારાસમાજ, આર્ય સમાજ કે સનાતન ધર્મસભા, એકેની સાથે કાયમને માટે જોડાઈ રહેવાની ઈચ્છા સ્વામીજી રાખતા નહોતા. દરેકની તરફ તેમની સહાનુભૂતિ હતી, પણ દરેકના દોષો દર્શાવવામાં સ્વામીજી જરાએ ચૂકતા નહોતા. લાહોરની સનાતન ધર્મસભાએ તેમને એ સભાની માન્યતા મુજબનો હિંદુધર્મનો બોધ કરવાનું કહ્યું હતું, પણ સ્વામીજીએ ચોક્ખી ના પાડી અને ધર્મનું ખરૂં સ્વરૂપ જ સર્વેને સમજાવ્યું. આ પ્રમાણે સ્વામીજી જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં સત્ય, ભ્રાતૃભાવ, સંપ, શાંતિ, પ્રેમ, સહિષ્ણુતા અને સ્વાર્થત્યાગનો વાસ કરાવતા. પૂર્વ અને પશ્ચિમના લોકોને સ્વામીજીના બોધમાં એવું શું નવાઈ જેવું મળતું હતું કે જેથી બંને ગોળાર્ધની સઘળી પ્રજાઓ તેમને જગતગુરૂ ગણીને અત્યંત ભાવથી પૂજતી હતી ? કારણ એજ કે સ્વામીજીના હૃદયમાં હિંદના પ્રાચીન ગૌરવને માટે દૃઢ શ્રદ્ધા હતી. હિંદના પ્રાચીન ઋષિઓ તરફ તેમને અત્યંત પૂજ્યભાવ હતો. હિંદુધર્મની મહત્તા અને ઉપયોગિતામાં તેમને સંપૂર્ણ વિશ્વાસ હતો. વળી દરેક મહાપુરૂષની બાબતમાં બને છે તેમ તેમનામાં ઉંડી આત્મશ્રદ્ધાએ વાસ કરેલો હતો.