પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


તેમનો ઉદય થવાનો નથી. લાહોરમાં વેદાન્ત ઉપરના ભાષણમાં સ્વામીજી એ વાતનેજ પુનઃ પુનઃ શ્રોતાઓનાં મગજમાં ઠસાવી રહ્યા હતા. તેમણે કહ્યું કે “તમે ભલે સેંકડો સમાજો સ્થાપો, હજારો રાજ્યદ્વારી સભાઓ મેળવો અને લાખો સંસ્થાઓ ઉભી કરો, પણ જ્યાં સુધી તમારામાં સર્વને માટે સહાનુભૂતિ, પ્રેમ અને સહૃદયતા નથી, જ્યાં સુધી ફરીથી એકવાર ભગવાન બુદ્ધ જેવી હૃદયની વિશાળતા તમારામાં આવી નથી ત્યાં સુધી તે સર્વે નકામાં છે. જ્યાં સુધી શ્રીકૃષ્ણનાં વચનો તમે કૃતિમાં મૂક્યાં નથી ત્યાં સુધી તમારે માટે કંઈજ આશા નથી.” સ્વામીજીએ ઘણા ખેદની સાથે એક વાર લખ્યું હતું કે; “લગભગ પચાસ વર્ષથી સંસાર સુધારાને માટે મોટી ધામધુમ કરવામાં આવે છે ! દશ વર્ષથી હું હિંદમાં સ્થળે સ્થળે ફરી રહેલો છું અને દરેક સ્થળે સંસાર સુધારા સમાજ મારી નજરે આવેલી છે ! પણ જે મનુષ્યોનું લોહી ચૂસીને “સદ્‌ગૃહસ્થો” મોટા મોટા થઇને ફરે છે તે ગરિબ મનુષ્યોના ભલાને માટે એક પણ સમાજસ્થપાએલી મેં જોઈ નથી.”

સ્વામીજીના ભાષણની અસર એટલી બધી થઈ કે થોડા સમય પૂછી લાહોરના યુવાનોએ સ્વામીજીના કહ્યા પ્રમાણે એક સમાજ સ્થાપી. તે સમાજ સર્વેને માટે ખુલ્લી હતી. ગામે ગામથી અસહાય દુઃખી માણસોને શોધી કહાડવાં, તેમને મદદ આપવી, માંદાઓની માવજત કરવી અને અભણને કેળવણી આપવી, એ કાર્ય તે સમાજ કરતી હતી.

લાહોરમાં સ્વામીજીએ યુવાન વિદ્યાર્થીઓની એક સભામાં તેમને બોધ આપ્યો કે “હિંદમાં અત્યારે આપણને આપણું ચારિત્ર્ય ઘડવાની ખાસ જરૂર છે. હાલની આપણી કેળવણી આપણાં મગજમાં અનેક નકામી વાતો ભરી રહેલી છે, અને તે આપણા નૈતિક વિકાસ તરફ જરાકે લક્ષ્ય આપતી નથી. સમાજ સેવાથીજ ખરૂં ચારિત્ર્ય બંધાય છે. પ્રથમ જરાક કાળજી રાખી કેટલીક વખત બીજાનું ભલું