પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮૭
પંજાબ વગેરે તરફ વિચરણ.


કરવાથી પછી તેવું કરવાની ટેવજ પડી જાય છે અને એ પ્રમાણે જ્યારે બીજાનું ભલું કરવાનો સ્વભાવ બંધાઈને સ્વાર્થવૃત્તિ દૂર થાય ત્યારેજ તમે ચારિત્ર્યવાન થયા ગણાઓ.”

લાહોરના યુવાનોની સાથે વાર્તાલાપ કરતાં સ્વામીજીએ નીચેના વિચારો તેમના મગજમાં દૃઢપણે ઠસાવ્યા હતા. પંજાબ, કાશ્મીર અને રજપૂતાનામાં પણ એ વિચારોનો ફેલાવો તેમણે કર્યો હતો અને પછીથી વર્તમાનપત્રો અને માસિકોએ તે વિચારોનો પ્રચાર આખા હિંદમાં કરી મૂક્યો હતો. તે વિચારો નીચે પ્રમાણે હતા:

૧ હિંદુસ્તાને સારા સારા કેળવાયલા માણસોને હિંદુ તત્ત્વજ્ઞાન અને ધર્મનો બોધ કરવાને યૂરોપ અને અમેરિકા મોકલવા જોઈએ; એથી કરીને યૂરોપ અને અમેરિકા હિંદ તરફ બહુ માનની લાગણીથી જોશે અને તેની ચઢતી થવામાં મદદ કરશે, તેથી હિંદુઓ પણ બીજી પ્રજાઓની વિદ્યા શિખશે. હિંદુઓએ પરદેશ જવું જોઈએ.—પરદેશીઓને તેમણે તત્ત્વજ્ઞાન શિખવવું જોઈએ અને તેમની પાસેથી વિજ્ઞાન (સાયન્સ) શિખવું જોઇએ.

૨ હિંદુ જ્ઞાતિઓમાં નાના નાના વિભાગ પડી ગયેલા છે. તેમને કહાડી નાંખવા જોઇએ અને જેમ બને તેમ થોડાઓએજ લગ્ન કરવાં જોઈએ. દરેક ભિખારી પરણવાને આતુર હોય છે અને પરણીને દેશમાં બીજા દસ વધારે ગુલામો ઉત્પન્ન કરે છે; તેને બદલે આપણામાં બ્રહ્મચારીઓની સંખ્યા વધવી જોઇએ.

૩ ઉચ્ચ વર્ગો અને સામાન્ય ગરિબ વર્ગો વચ્ચે ઘણુંજ અંતર રાખવામાં આવે છે. તેને કહાડી નાખવું જોઈએ. સામાન્ય ગરિબ વર્ગોને કેળવણી આપવી જોઈએ. તેમને ધર્મનું જ્ઞાન આપતાં પહેલાં ખાવાનું પુરૂં પાડી તેમની સ્થિતિ સુધારવી જોઈએ.

૪ સુધરેલી ઢબ પ્રમાણે સંસ્કૃત વિંદ્યાનો પ્રચાર કરવો. બ્રાહ્મણો