પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


અને પંડિતો તરફ તિરસ્કારથી જોવું નહિ; કારણ કે તેમના વગર સંસ્કૃત વિદ્યા હિંદમાં રહી હોતજ નહિ.

૫ આપણે પ્રજાકીય યુનિવર્સિટિઓ (વિશ્વ વિદ્યાલયો) સ્થાપવી જોઇએ અને તે દ્વારા શારીરિક બળવાળા મનુષ્યો અને મહાન વિચારકો ઉત્પન્ન કરવા જોઈએ. આધુનિક શિક્ષણ પદ્ધતિ ખરાબ છે. ખરૂં પુરૂષત્વ આપણને પ્રાપ્ત કરાવે એવી યુનિવર્સિટિઓની આપણને જરૂર છે. તેમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાગુરૂઓએ એકઠા રહેવું જોઈએ અને જીવનના ઉચ્ચ આદર્શોને સિદ્ધ કરવા જોઈએ.

૬ આપણા ચારિત્ર્યને એવી રીતે ઘડવું જોઈએ કે જેથી કરીને ખાનગીમાં તેમજ જાહેરમાં બીજાઓ આપણા ઉપર વિશ્વાસ રાખે. અત્યારે હિંદમાં એવા પુરૂષો થોડાજ હશે કે જેમના ઉપર પુરતો વિશ્વાસ રાખી શકાય.

૭ આપણે જુદા જુદા મત ધરાવતા હોઈએ, છતાં પણ આપણે એક બીજાને ચ્હાવું જોઈએ.

લાહોરમાં સ્વામીજીને શ્રી તીર્થરામ ગોસ્વામીને (જેઓ પાછળથી સંન્યાસી તરિકે સ્વામી રામતીર્થના નામથી વિખ્યાત થયા છે) મળવાનો પ્રસંગ આવ્યો હતો. તેઓ એ વખતે લાહોરની એક કોલેજમાં ગણિતના પ્રોફેસર હતા. સ્વામી વિવેકાનંદજીને તેઓ બહુજ ચ્હાતા હતા. સ્વામીજીને તેમણે તેમના શિષ્યો સાથે પોતાને ત્યાં તેડી જઈ ભોજન કરાવ્યું હતું. જમી લીધા પછી સ્વામીજી એક ભજન ગાવા લાગ્યા. ભજનની ધૂન બરાબર જામી. બંને મહા પુરૂષો–ભારતનાં અદ્‌ભુત રત્નો એકત્ર થાય ત્યાં પૂછવુંજ શું ? મહાન ભક્ત તુલસીદાસના વંશજ પ્રોફેસર તીર્થ રામ અને શ્રીરામકૃષ્ણના શિષ્ય સ્વામી વિવેકાનંદ ! બંને ગ્રેજ્યુએટો ! બંને પંડિતો ! બંને જ્ઞાનીઓ ! બંને પ્રભુ પ્રેમીઓ ! સ્વામીજી ગાવા લાગ્યા: “જહાં રામ વહાં કામ નાહિ,