પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮૯
૫ંજાબ વગેરે તરફ વિચરણ.


જહાં કામ વહાં નાહિ રામ; દોનું કબહું ના બસે, દિન રજની એક ઠામ.” જ્યાં રામ છે ત્યાં ઐહિક વાસના નથી અને જ્યાં સંસારની વાસના છે ત્યાં રામનો વાસ નથી ! તીર્થ રામ જાતેજ લખે છે કે, “સ્વામીજીએ એવા મધુર સ્વરથી ભજન ગાયું કે સઘળા સ્રોતાઓનાં હૃદયમાં ભજનનો ભાવ પુરેપુરો જામી રહ્યો.” પછીથી તીર્થરામે પોતાની ખાનગી લાઈબ્રેરી સ્વામીજીને બતાવી.

તીર્થરામ અને સ્વામીજી વચ્ચે ઘણોજ ગાઢ સંબંધ બંધાયો હતા. લાહોરમાં જ્યાં સુધી સ્વામીજી રહ્યા ત્યાં સુધી તેમનાં ભાષણોની ગોઠવણ કરવામાં તીર્થ રામે ઘણી મદદ કરી હતી. તીર્થરામે સંન્યાસ ગ્રહણ કર્યો અને સ્વામી રામતીર્થ તરિકે બહાર પડ્યા ત્યારે પણ વિવેકાનંદનો દાખલો લઈને જ તે અમેરિકાદિ પ્રદેશમાં વેદાન્તનો બોધ કરવાને ગયા હતા. એક દિવસ સાંજે તીર્થરામ અને વિવેકાનંદ બહાર ફરવા જતા હતા. તીર્થરામની જોડે લાહોરના કેટલાક યુવકો હતા અને સ્વામીજી જોડે તેમના ગુરૂભાઈઓ અને શિષ્યો હતા. એ પ્રસંગ વિષે સ્વામી રામતીર્થે (તીર્થરામે) જાતેજ લખ્યું હતું કે, “યુવાનોએ મને પૂછેલા એક પ્રશ્નને હું જવાબ આપતો હતો કે ખરેખરો મહાત્મા તો એજ કે જે પોતાની જાતનો ખ્યાલ ભૂલી જઇને સર્વમાં આત્મભાવ પ્રગટાવી રહ્યો હોય. જ્યારે કોઈ પણ પ્રદેશની હવા સૂર્યના તાપથી ગરમ થાય છે ત્યારે તે પાતળી થઈને ઉંચે ચ્હડવા માંડે છે, તેથી વાતાવરણમાંની સઘળી હવામાં ગતિ ઉત્પન્ન થઈને ચારે તરફ પવન વાઈ રહે છે. તેજ પ્રમાણે ખરેખરો મહાત્મા આત્મસુધારણા વડે કરીને દેશની આખી પ્રજાને આશ્ચર્યકારક રીતે સુધારી મૂકે છે.” સ્વામીજી મારા એ શબ્દો સાંભળીને તરતજ ઉભા રહ્યા અને બહુજ ભાર દઈને બોલી ઉઠ્યા કે “મારા ગુરૂ શ્રીરામકૃષ્ણ પરમહંસદેવ એવાજ અસામાન્ય મહાત્મા હતા.”