પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


એક દિવસે તીર્થરામે સ્વામીજીને પોતાનું સોનાનું ઘડિઆળ ભેટ કર્યું. સ્વામીજીએ ઘણો ઉપકાર માનીને તેનો સ્વીકાર કર્યો, પણ ઘડિઆળને, પાછું તીર્થરામના ગજવામાં મૂકી દીધું અને બોલ્યા કે, “બહુ સારૂં મારા મિત્ર, એ ઘડિઆળ આ તમારા ગજવામાં રહેશે તો પણ તેને ધારણ કરનાર હુંનો હું જ (આત્મભાવે) છું ને !”

લાહોરથી સ્વામીજી દેહરાદુન ગયા. સ્વામીજી પોતાની સાથેના શિષ્યોને સંસ્કૃતમાં રામાનુજકૃત શ્રીભાષ્ય પોતાના સઘળા પ્રવાસમાં જ્યારે જ્યારે વખત મળે ત્યારે ત્યારે ભણાવતા હતા. અધ્યયન કરાવવાને વિદ્વાન સ્વામી અચ્યુતાનંદને રોકવામાં આવ્યા હતા. તે સ્વામીજીની સમક્ષ શિખવતા અને જ્યાં તેમને શંકા પડતી ત્યાં સ્વામીજી જાતે તેનો ખુલાસો કરતા. દેહરાદુનમાં ખેત્રીના મહારાજા તરફથી સ્વામીજીને આગ્રહ ભર્યું આમંત્રણ આવ્યું હતું ખેત્રી જતાં તેમણે દિલ્લી, આગ્રા, અલવર અને જયપુરની પણ મુલાકાત લીધી.

દિલ્હીમાં પોતાના ગુરૂભાઈઓ, શિષ્યો અને મી. સેવીઅર તથા તેમનાં પત્નીને સાથે લઈને સ્વામીજી સઘળાં ભવ્ય ખંડેરો અને મિનારાઓ વગેરે જોવાને નીકળ્યા. એ ભવ્ય ખંડેરો અને મિનારાઓ મુગલ બાદશાહની ઝાહોજહાલીનો પુરેપુરો ખ્યાલ આપે છે. તેમાંએ વળી સ્વામીજી જેવા ઉંડી ઐતિહાસિક દૃષ્ટિ ધરાવનાર અને કળાકોવિદ સાથે હોય એટલે કહેવાનુંજ શું ! મુગલ અને હિંદુ કળાનું વર્ણન કરીને તથા બંને પ્રજાઓનો ઇતિહાસ કહી સંભળાવીને સ્વામીજી ભારતવર્ષના કળાકૌશલ્ય તથા ઇતિહાસ ઉપર અવનવો પ્રકાશ પાડવા લાગ્યા. એ વખતે તેમની સાથે ગયેલા મનુષ્યોમાંનો એક લખે છે કે, “સ્વામીજીએ ભૂતકાળને અમારી સમક્ષ એવો તો આબેહુબ ખડો કરી મૂક્યો હતો કે વર્તમાનકાળને તો અમે ભૂલી જ ગયા ! અમે જાણે કોઇ પ્રાચીન સમયના બાદશાહો અને મોટા રાજાઓની સાથે વસતા હોઇએ