પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯૩
બેલુર મઠમાં.

કામ તેમનું લક્ષ ખેંચી રહ્યું હતું. તેમના ગુરૂભાઈઓ અને શિષ્યોનાં ચારિત્ર્ય ઘડવાં, તેમનાં મનમાં ઉત્તમ આદર્શોનો વાસ કરાવવો, તેઓ ભારતવર્ષને, રે, અખિલ વિશ્વને અનેક રીતે ઉપકારક થાય અને સમસ્ત માનવજાતિનું કલ્યાણ કરવાની સ્વામીજીની યોજનાઓને અમલમાં મૂકવાને લાયક બને એવી કેળવણી તેમને આપવી, વગેરે કાર્યોમાં સ્વામીજીનું મન હવે પરોવાયું હતું.

પ્રકરણ ૪૯ મું – બેલુર મઠમાં.

સ્વામીજી હવે પોતાના ઘણાખરા દિવસો ગંગાતીરે આવેલા જુના બેલુર મઠમાંજ ગાળી રહ્યા હતા. મઠમાં રખાયલી ડાયરી સ્વામીજીની અનેક પ્રવૃત્તિઓની નોંધ પુરી પાડે છે. ઘડીકમાં સ્વામીજી કોઈ ભાવિક ભક્તને ઘેર જતા જણાતા તો ઘડીકમાં મળવાને આવેલા અસંખ્ય પુરૂષોની સાથે વાર્તાલાપ કરતા દેખાતા. કોઈવાર તે મઠના સાધુઓ અને બ્રહ્મચારીઓને શિક્ષણ આપવામાં કલાકોના કલાકો ગાળતા તો કોઈવાર કલાકોના કલાકો સુધી ધ્યાનમાં બેસી રહેતા. કોઈવાર તે ભજન ગાતા તો કોઈવાર સંકીર્તનમાં ભાગ લેતા અને કોઈવાર તે કાંઈક વાંચતા કે ઉંડો અભ્યાસ કરતા. સ્વામીજી અનેક બાબતો ઉપર લખતા, અનેક કાગળોના જવાબ આપતા, અનેક વાતો કહેતા અને યોગની ભૂમિકાઓ કે આધ્યાત્મિક અનુભવોનું વર્ણન કરતા. વખતે ભગવદ્‌ગીતા ઉપર મોટું વ્યાખ્યાન તે આપતા, વખતે ઉપનિષદો ઉપર વિવેચન કરતા અથવા ભૌતિક વિજ્ઞાનશાસ્ત્રનાં તત્ત્વો સમજવતા અને મહા પ્રજાઓના ઇતિહાસો કહી સંભળાવતા. બેલુર મઠમાં સ્વામીજી આ પ્રમાણે જીવન ગાળી રહ્યા હતા. એ સમયે બાબુ નવગોપાળ ઘોષને ત્યાંથી સ્વામીજીને આમંત્રણ આપ્યું.