પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯૭
બેલુરમાં મઠ.


રજુ કરવું, જેથી કરીને પ્રજાજીવનનો વિકાસ થાય, હૃદયનું સંકુચિતપણું નષ્ટ થાય અને ભ્રાતૃભાવ જાગૃત થાય એવા બળદાયી વિચારોનો તેમાં વાસ કરાવવો, વગેરે બાબતોને ઘણીજ હિંંમતથી સ્વામીજી હાથ ધરી રહ્યા હતા.

દિવસ શિવરાત્રિનો હતો. મઠમાં સઘળા સાધુઓ ભજન અને આનંદ કરી રહ્યા હતા. શ્રીરામકૃષ્ણની મૂર્તિને ભસ્મ ચોળી, મસ્તકે લાંબી જટા ધારણ કરાવવામાં આવી તેમજ હાથે અને ગળે રૂદ્રાક્ષની માળા પહેરાવવામાં આવી, એ પછી સ્વામીજી અને તેમના ગુરૂભાઈઓ વગેરેએ પણ શરીરે ભસ્મ અને રૂદ્રાક્ષ ધારણ કર્યા. તેમનો એક શિષ્ય લખે છે કે “એ વખતે સ્વામીજી સાક્ષાત્‌ શિવજી જેવા દેખાતા હતા. અહો ! તેમની આકૃતિ કેવી ભવ્ય અને સુંદર લાગતી હતી ? સ્વામીજીની આસપાસ બીજા સાધુઓ બેઠા હતા અને આખો મઠ કૈલાસ જેવો ભવ્ય ખ્યાલ આપી રહ્યો હતો.” જાણે સાક્ષાત્‌ શિવજીજ સમાધિમાં બેઠા હોય તેવો ભવ્ય દેખાવ બની રહ્યો હતો. સ્વામીજીની આંખો અડધી મીંચેલી હતી અને તે પદમાસન વાળીને બેઠા હતા.

સ્વામીજી હવે હાથમાં તંબુરો લઈને ભજન ગાવા લાગ્યા. ગાતે ગાતે સ્વામીજીને ભક્તિભાવમાં તલ્લીન થતા જોઈને સર્વ સાધુઓ અને ભક્તોનાં હૃદયો પણ ભક્તિના પ્રવાહમાં તણાવા લાગ્યાં. આખું વાતાવરણ પવિત્ર અને ભક્તિમય બની રહ્યું. સ્વામીજીના મુખમાંથી નીકળતા ભજનામૃતનું પાન કરીને સર્વ ભક્તિભાવમાં મસ્ત બની રહ્યા. ખરેખર તે દેખાવ દેવતાઓને પણ દુર્લભ હતો.

સ્વામીજીએ છેલ્લું ભજન ગાયા પછી સ્વામી શારદાનંદ સ્વામીજીનું બનાવેલું ભજન “સૃષ્ટિ સૃજન” ગાયું. સ્વામીજી હવે પખવાજ વગાડવા લાગ્યા. પખવાજ વગાડવામાં સ્વામીજી મોટા મોટા પખવાજીઓને પણ કોરે મૂકે તેવા હતા. એ કળા તેમણે બહુજ ઉત્તમ