પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


રીતે સંપાદન કરી હતી. સ્વામીજી પખવાજ વગાડનાર અને શારદાનંદ ગાનાર, એટલે પછી બાકીજ શું રહે ! શારદાનંદના સુંદર કંઠનો અને પખવાજના મનોહર અવાજનો ધ્વની સર્વત્ર વ્યાપી રહ્યો હતો. ભજનની ધૂન સર્વત્ર છવાઈ રહી હતી. શ્રીરામકૃષ્ણ વિષેનાં કેટલાંક ભજનો ગવાઇ રહ્યા પછી સ્વામીજીએ પોતાનાં વસ્ત્રાભૂષણો–ભગવો ઝભ્બો તથા રૂદ્રાક્ષની માળાઓ કહાડીને ગિરીશ બાબુને પહેરાવ્યાં અને પછી તેમના શરીરે ભસ્મ ચોળી. ગિરીશ બાબુ બંગાળાના એક પ્રખ્યાત નાટકકાર હોઇ તેમણે બંગાળી ભાષામાં અનેક સુંદર નાટકો લખેલાં છે. શ્રી રામકૃષ્ણના તે પરમ ભક્ત હતા. તેમને શરીરે ભગવાં વસ્ત્રો પહેરાવતા પહેરાવતા સ્વામીજી બોલ્યા: “શ્રીરામકૃષ્ણ કહેતા હતા કે ગિરી બાબુ ભૈરવનો અંશ છે.” એ વચનો સાંભળીને ગિરીશ બાબુ ગળગળા થઈ ગયા અને તેમની આંખોમાં આંસુ આવી ગયાં. સ્વામીજીએ તેમને શ્રીરામકૃષ્ણ વિષે કંઈક બોલવાનું કહ્યું. ગિરીશબાબુનું હૈયું પ્રેમથી ઉભરાઇ રહ્યું હતું. તે ગદ્‌ગદ્‌ કંઠે બોલ્યા કે “આપણા પરમ કૃપાળુ ગુરૂદેવ વિષે હું શું બોલું ? મારા જેવા નાલાયક મનુષ્યને તમારા જેવા ત્યાગી–બાલ્યાવસ્થામાંથીજ કાંચન અને કામિનીનો ત્યાગ કરનારા–મનુષ્યો સાથે બેસવાનો હક્ક તેમણે આપેલો છે, એ શું એમની ઓછી કૃપા છે ?”

મઠમાં અનેક મનુષ્યો સ્વામીજીને મળવા આવતા અને તેઓ સ્વામીજીનું આતિથ્ય અને નમ્રતા જોઈને ચકિત થતા. બૌદ્ધ ધર્મના ઉપદેશક ધર્મપાલ મઠમાં આવ્યા હતા. તેમને મિસીસ ઓલબુલને મળવું હતું. મિસીસ ઓલબુલ મઠના નવા મકાનને માટે ખરીદાયલી જમીન ઉપર બાંધેલા એક જુના પુરાણા ઝુંપડામાં રહેતાં હતાં. સ્વામીજીની નજીકમાં રહેવાય તેટલા માટે તે એવા ઝુંપડામાંજ પડી રહ્યાં હતાં. મિસીસ ઓલબુલ અમેરિકાના એક મોટા ધનાઢ્ય