પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦૧
બેલુર મઠમાં.


પરમ સત્યનો સાક્ષાત્કાર કરતાં પહેલાં ભગવાન બુદ્ધે જેમ બીજાઓને માટે અનેકવાર પોતાનું જીવન સમર્પિત કર્યું હતું તેમ તમે પણ કરો.”

એ વિધિ થઈ રહ્યા પછી સ્વામીજી રૂદ્રાક્ષ તથા ભસ્મ ધારણ કરી સર્વ મંડળની વચમાં કીર્તન અને નૃત્ય કરીને સાક્ષાત્‌ શિવલીલાજ પ્રત્યક્ષ કરાવવા લાગ્યા. પછીથી સર્વજણ શ્રીરામકષ્ણનાં પત્ની શારદાદેવીની પાસે ગયા અને જાણે કે પૂર્વ અને પશ્ચિમનો મેળાપ થતો હોય તેમ પાશ્ચાત્ય શિષ્યોએ શારદાદેવીનો ચર્ણ સ્પર્શ કર્યો અને દેવીએ પોતાનો પવિત્ર હાથ તેમને માથે મૂકીને આશિર્વાદ આપ્યા. ‘ગોપાળની મા’ કરીને એક વૃદ્ધ અને પવિત્ર સ્ત્રી જેને શ્રીરામકૃષ્ણ પોતાની માતા તરિકે ગણતા હતા તેમને પણ ત્યાં બોલાવવામાં આવ્યાં. અહીં સર્વે ભેગાંજ રહેવા અને જમવા લાગ્યાં. એ પ્રમાણે સ્વામીજીએ પૂર્વ અને પશ્ચિમની સ્ત્રીઓ વચ્ચે ગાઢ સંબંધ બાંધ્યો, કે જે સંબંધમાં આજે ઘણો વધારે થઈ રહેલો છે અને પૂર્વ પશ્ચિમની સ્ત્રીઓ સાથે મળીને રામકૃષ્ણ મિશનનાં અનેક કાર્યો કરી રહેલી છે.

એ સમયનો એક બીજો અગત્યનો બનાવ એ હતો કે બહેન નિવેદિતાએ સ્વામીજીના પ્રમુખપદ નીચે “ઈંગ્લાંડમાં હિંદુઓના ધાર્મિક વિચારોની અસર” એ વિષય ઉપર મોટી સભા સમક્ષ કલકત્તામાં એક સુંદર વ્યાખ્યાન આપ્યું હતું. વક્તાનું ઓળખાણ કરાવતાં સ્વામીજીએ કહ્યું કે “ઈંગ્લાંડે નિવેદિતારૂપી એક મોટી બક્ષિસ આપણને આપેલી છે.” પોતાના ભાષણમાં નિવેદિતાએ અંતરના ઉદ્‌ગારો કહાડીને સર્વેને જણાવ્યું હતું કે :—

“તમે–હિંદુઓએ–લગભગ છ હજાર વર્ષથી પ્રાચીન વિચારોને ધારણ કરી રાખીને સમસ્ત જગતને માટે સર્વોત્તમ આધ્યાત્મિક સિદ્ધાંતોને જાળવી રાખ્યા છે; તેથીજ હું ભારતવર્ષની સેવા કરવાને માટે આકર્ષાઇને અહીંઆં આવી છું.”