પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રકરણ ૩ જું – જન્મ અને બાલ્યાવસ્થા.

ઘણા લાંબા વખત સુધી ભુવનેશ્વરી દેવીને પુત્રની પ્રાપ્તિ થઈ નહોતી. ઈશ્વરે તેમને બે પુત્રીઓ આપી હતી પણ પુત્ર પ્રાપ્તિ માટે તે ઘણાં આતુર હતાં. પુત્રની પ્રાપ્તિ માટે કાશી જઇ વીરેશ્વરની પૂજા ભક્તિભાવથી કરવી એમ તેમની ઉત્કટ ઇચ્છા હતી, પરંતુ તેમ બની શક્યું નહિં; તેથી કાશીમાં તેમનાં એક વૃદ્ધ બહેન રહેતાં હતાં. તેમને તેમણે તેમની વતી વીરેશ્વર મહાદેવની રોજ પૂજા અને ભક્તિ કરવાનું લખ્યું. તેમનાં બ્હેન તે પ્રમાણે કરવા લાગ્યાં. હાથમાં લાકડી ઝાલીને તે ગંગા કિનારે જતાં અને ત્યાંથી ગંગાજળ લાવી, પુષ્પ અને બિલ્વ પત્રથી તે રોજ મહાદેવની પૂજા કરતાં. ભુવનેશ્વરીને તેમણે આ ખબર લખી મોકલી અને તેમનો જીવ આશામાં પડ્યો. ઈશ્વર પ્રત્યેની તેમની શ્રદ્ધા અડગ હતી. પ્રત્યેક વાતમાં તે ઈશ્વરની સહાય માગતાં. એક ન્હાનું બાળક જેમ પોતાની માતા પ્રત્યે હર વખત જુવે તેમ તે પ્રભુ પ્રત્યે નમ્ર હૃદયે જોતાં અને પુત્રને માટે પ્રાર્થના કર્યા કરતાં દિવસો વ્યતીત થવા લાગ્યા. તેમનો અંતરાત્મા પ્રસન્ન દેખાવા લાગ્યો. તેમનું ચિત્ત કાશીમાં થતી પૂજામાં પરોવાયલું રહેવા લાગ્યું. તેમના વિચાર કાશીમયજ બની ગયા. તેમનું હૃદય શિવમંદિર થઈ રહ્યું ! મનમાં તેમને ભાસ થવા લાગ્યો કે વિરેશ્વર તેમની અરજ જરૂર સાંભળશે ! તેમણે વધારેને વધારે શ્રદ્ધા, ભક્તિથી પ્રાર્થના કરવા માંડી. જેમ ગૌરાંગ પ્રભુને જગન્નાથપુરીના વિચારમાં ભાવસમાધિ થઈ જતી હતી, તેમ તેમને પણ ઘરનું કામ કરતે કરતે વિરેશ્વરના સ્મરણમાં ભાવ સમાધિ થઈ જતી અને તે સ્તબ્ધ બની જતાં. તે વખતે તેમની પાસે રહેલાં કુટુંબનાં મનુષ્યો હાલમાં કહે છે કે, તે સમયમાં આખા ઘરમાં ભક્તિભાવની