પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦૭
દુષ્કાળકામો તથા અનાથાશ્રમો વગેરેની સ્થાપના.


ઘરધણી તેમને એમનાં એમ મૂકીને ચાલ્યો ગયો હતો. બીજો એક મનુષ્ય પોતાની બાયડી તથા છોકરાંને ભૂખે મરતાં જોઇને શું કરવું તે નહિ સૂઝવાથી ગળે ફાંસો ખાવાની તૈયારીમાં હતો. વળી કેટલાક આત્મઘાત કરવાની તૈયારીમાં હતા. એ સઘળાઓને રામકૃષ્ણ મિશને વખતસર મદદ આપી અને તેમના પ્રાણ બચાવ્યા. મિશનના સંન્યાસીઓએ ગામે ગામ ફરીને આવાં આવાં ભુખમરાથી પીડાતાં મનુષ્યોને અને કુટુંબોને શોધી કહાડીને તેમને જે જે જોઇએ તે તે પુરૂં પાડ્યું હતું. ગામડાંઓમાં કેટલીક મોટા ઘરની છતાં નિર્ધન સ્ત્રીઓ અને પડદાનશીન મુસલમાન સ્ત્રીઓ પણ અતિશય દુઃખી હતી. સરકારી આશ્રમમાં જઈને મદદ લેવા કરતાં તેઓ મરવાનું વધારે પસંદ કરતી હતી. એવી સ્ત્રીઓના મલાજાને હાનિ ન પહોંચે તથા તેમની લાગણીઓ ન દુઃખાય તેવી રીતે રામકૃષ્ણ મિશને તેમને પણ પુરતી મદદ પહોંચાડી હતી. ફંડ પુરતું નહિ હોવાથી સ્વામીજી ઘણે દૂર આવેલાં ગામોમાં જઈને ભિક્ષાની ઝોળી ફેરવીને પણ અનાજ વગેરે લાવવા લાગ્યા. દુકાળીઆઓની સંખ્યા વધતી જઇને લગભગ છસેં માણસોની થઈ હતી. દરરોજ છ મણ ચોખા દુકાળીઆઓના ખોરાક માટે જતા હતા; તેમજ વસ્ત્ર અને દવાઓની પણ જરૂર પડતી હતી.

રામકૃષ્ણ મિશન તરફથી બીજો આશ્રમ દેવધરમાં ખોલીને સ્વામી વિરજાનંદને ત્યાં મોકલવામાં આવ્યા હતા. ત્રીજો આશ્રમ દીનાજપુરમાં ખોલીને સ્વામી ત્રિગુણાતીતને ત્યાં મોકલ્યા હતા. આ અને બીજા સંન્યાસીઓ જે ઉત્સાહથી અને નિઃસ્વાર્થ સેવાભાવથી પોતાની ફરજ બજાવતા હતા તેવો ઉત્સાહ સ્વાર્થબુદ્ધિથી કાર્ય કરનાર સામાન્ય મનુષ્યોમાં ભાગ્યેજ જોવામાં આવે છે. જુદાં જુદાં આશ્રમમાં સ્વામીઓ તરફથી દરેક પ્રકારની કાળજી અને ખંતપૂર્વક કામ