પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૧૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


અનાથાશ્રમ સ્થાપવાનો વિચાર રામકૃષ્ણ મિશનનો થયો. મુર્શીદાબાદના કલેક્ટર મી. લેવીંજને પણ આવા બનાવો જોઇને ઘણીજ દયા આવી અને તેમણે એક કાયમનું અનાથાશ્રમ ખોલવાની સ્વામી અખડાનંદને અરજ કરી. સ્વામી અખંડાનંદ પણ એવું અનાથાશ્રમ ખોલવાનો વિચારજ કરી રહ્યા હતા. તેમણે કલેક્ટરની વાત તરતજ કબુલ કરી. બ્રિટીશ સરકારે પંદર વીઘાં જમીન તે કાર્યને માટે મફત આપી. અનાથ બાળકોની સંખ્યા જલદીથી વધતી ગઈ અને દયાળુ હૃદયના સ્વામી અખંડાનંદની સંભાળ નીચે તે સારી રીતે ઉછરવા લાગ્યાં. અનાથાશ્રમનું મકાન બંધાયા પછી સર્વેને ત્યાં રાખવામાં આવ્યાં. તેમને અન્ન, વસ્ત્રાદિ આપવા ઉપરાંત ભાષા, ઇતિહાસાદિનું જ્ઞાન આપવું; ખેતીકામ, વણાટકામ, વગેરે ધંધા શીખવવા અને વેદાન્તના મહત્વના સિદ્ધાંતો તેમના મગજમાં ઠસાવીને તેમને સ્વાશ્રયી અને પ્રભુપરાયણ બનાવવાં, એવો હેતુ પણ મિશને રાખેલો હતો. મુર્શીદાબાદના અનાથાશ્રમનાં બાળકો આધુનિક સમયના શિક્ષિત યુવાનોની માફક નિર્બળ, પરાધીન અને નાસ્તિક ન બને તે માટે મિશન તરફથી પુરતી કાળજી રાખવામાં આવતી હતી.

આ વખતે સ્વામી વિવેકાનંદની તબીયત નાદુરસ્ત હોવાથી દાક્તરોની સલાહથી હવાફેર માટે તેઓ દાર્જિલીંગ ગયા અને થોડોક સમય ત્યાં રહ્યા. તેમની શારીરિક સ્થિતિમાં કંઈક સુધારો થયો ન થયો એટલામાં જ ખબર આવી કે કલકત્તામાં ઘણોજ પ્લેગ ચાલી રહેલો છે. સ્વામીજી આરામ લેવાની વાત પડતી મૂકીને એકદમ કલકત્તા પાછા આવ્યા. સરકારે પ્લેગના અટકાવ માટે કેટલાક આકરા નિયમો ઘડ્યા હતા તેથી લોકો ડરીને નાસભાગ કરી રહ્યા હતા અને કલકત્તાની સ્થિતિ જાણે એકાદ મોટું તોફાન ઉપડે તેવી થઈ ગઈ હતી. તોફાન ન થાય તેટલા માટે સ્થળે સ્થળે લશ્કરી સિપાઇઓ