પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૧૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


પહોંચેલો છે. તેઓ અઢળક દ્રવ્ય, વિદ્યા અને બાહુબળ પ્રાપ્ત કરી રહેલા છે અને જગતના ભોગવિલાસો ભોગવીને થાક્યા છે. આવા લોકો સાત્વિક ભાવને પ્રાપ્ત નહિ કરે તો શું તમે હિંદુઓ સાત્વિક ભાવને પ્રાપ્ત કરશો ? તમે દ્રવ્યને માટે ફાંફાં મારનારા, ગંદી ગલીઓમાં પડી રહેનારા અને નિર્બળ શરીરવાળા હિંદુઓ શું મોક્ષને માર્ગે ચ્હડી શકશો ? તમે જરા અંગ્રેજોનાં ભવ્ય મકાનો, સાફ રસ્તાઓ, તેમની સંસ્થાઓ, તેમના શહેરસુખાકારીના નિયમો અને તેમનાં સ્થિર ચારિત્ર્ય તરફ તો જુઓ. પછી તમારી ખાત્રી થશે કે મોક્ષ મેળવવાને માટે લાયક તો તેઓજ છે.

સ્વામીજીનું ધારવું ખરૂંજ હતું. અંગ્રેજોનાં હૃદયમાં તેમણે જે બીજ રોપ્યું હતું તે હવે ઉગીને–ફાલીને ફળી રહ્યું હતું. લંડનમાં વેદાન્તના અભ્યાસીઓ એકઠા મળતા અને હિંદુ તત્ત્વજ્ઞાનના અભ્યાસમાં એક બીજાને મદદ કરતા. મી. સ્ટર્ડી ખાસ કરીને તેમાં ઘણોજ રસ લેતા હતા. મી. એરીક હેમંડ વારંવાર તેમની સભાઓના પ્રમુખ થતા અને તેમને મદદ કરતા. વળી રામકૃષ્ણ મિશન હિંદમાં દુષ્કાળના વખતમાં જે કાર્ય કરી રહ્યું હતું તેને લંડનના વેદાંતીઓ ઘણીજ સહાય કરતા. આ દેશમાં જે અનેક મનુષ્યો ભોગવિલાસથી થાકી જઈને તેમજ જડવાદથી અસંતોષી બનીને પોતાનું જીવન શંકા અને નિરાશામાં ગાળી રહ્યા હતા, તેમની બુદ્ધિને સ્વામીજીનો વેદાન્તનો બોધ અતિશય અનુકુળ થઈ પડ્યો હતો. આર્ય વેદાન્તે તેમના સઘળા વિચારો અને અનુભવો ઉપર તદ્દન નવોજ પ્રકાશ પાડ્યો હતો. આ પ્રકાશના પ્રતાપે તેમનું જીવન આશા, આનંદ અને અન્ય ઉચ્ચ આધ્યાત્મિક ભાવોવડે ભરપુર રહેતું હતું. સ્વામી વિવેકાનંદના ગયા પછી વેદાન્તના વર્ગોનું કામ સ્વામી અભેદાનંદને સાંપવામાં આવ્યું હતું અને તે પોતાનું કર્તવ્ય ઘણીજ ફતેહથી બજાવી રહ્યા હતા.