પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૧૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


પણ તેમને તેમના કાર્યમાં ઘણી મદદ કરતાં અને ઘણે સ્થળે ભાષણો આપતાં હતાં, છતાં પણ અમેરિકામાં વેદાન્તનો બોધ કરવાને ઉપદેશકોની ઘણીજ તાણ પડતી હતી. વોશીંગ્ટનમાં પ્રેસીડંટ મેક્કીન્લી જેવા સત્તાધીશે ઘણાજ હર્ષ અને માનથી સ્વામી અભેદાનંદની મુલાકાત લઈ ભારતવર્ષ વિષે કેટલીક પૂછપરછ કરી હતી. પછીથી તેઓ એલાસ્કાના ગવર્નરને મળ્યા હતા. પ્રખ્યાત વિજ્ઞાનશાસ્ત્રી અને માનસશાસ્ત્રવેત્તા ડોક્ટર એલમર ગેટસે તેમને ઘણા ભાવથી પોતાના પરોણા તરિકે રાખ્યા હતા. અમેરિકાનાં સારામાં સારાં માસિકો, જેવાં કે, ધી સન, ધી ન્યૂયોર્ક ટ્રિબ્યુન, ધી ક્રીટીક, ધી લીટરરી ડાઈજેસ્ટ, ધી ઈન્ટેલીજન્સ વગેરે પણ સ્વામીનાં ભાષણોનો ખૂબ ફેલાવો કરી રહ્યાં હતાં. વળી તે પત્રોમાં વેદાન્ત વિષે અનેક ચર્ચાઓ પણ આવતી. આ બધું દર્શાવી આપે છે કે અમેરિકાના પાદરીઓ, ઉદાર વિચારકો અને ધર્મ શાસ્ત્રીઓનાં હૃદયમાં વેદાન્તના સિદ્ધાંતો મક્કમપણે ઠસતા જતા હતા.

આ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે સ્વામી વિવેકાનંદે જે બીજ રોપ્યાં હતાં તેમાંથી મોટાં વૃક્ષો ઉગી નીકળીને ખુબ ફાલી તથા ફળી રહ્યાં હતાં. પાશ્ચાત્ય પ્રજાઓનાં હૃદયમાં આ વૃક્ષનાં મૂળ ઉંડાંમાં ઉંડાં પેસી રહ્યાં હતાં. એક મિત્ર અમેરિકાથી લખે છે કે “અમારામાંના કેટલાઓનું જીવન સ્વામીઓના બોધથી બદલાઈ રહેલું છે એ કહેવું અશક્ય છે. આગળ જતાં ઘણા મનુષ્યો પોતાના પાછલા જીવન ઉપર દૃષ્ટિ નાંખશે અને સ્વામીઓના બોધથી તેમનાં જીવન કેવાં ઉન્નત બની રહેલાં છે તે આશ્ચર્યથી જોશે.”

અત્યારે અમેરિકાના લગભગ દરેકે દરેક વિષયમાં – વ્યવહારિક ભાષણોમાં, ખ્રિસ્તી ધર્મનાં દેવાલયોમાં, માસિકોમાં અને વર્તમાનપત્રો વગેરેમાં–જુદી જુદી રીતે અને જુદા જુદા સ્વરૂપમાં વેદાન્તના સિદ્ધાંતો બહુજ છૂટથી ચર્ચાતા જણાય છે. ત્યાં આ વિષયને લગતી ઉપરા ઉપરી