પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨૩
પાશ્ચાત્ય શિષ્યોની કેળવણી.


તેમને તે ખુલ્લી રીતે વખોડતા અને તે હિંદુ ધર્મનાં અંગો નથી એમ સમજાવવાની કાળજી લેતા. સઘળા શિષ્યોમાં બહેન નિવેદિતાનું શિક્ષણ સ્વામીજીને વધારે લક્ષ રોકી રહેતું. શંકાનો કિંચિત પણ અવકાશ હોય ત્યાં સુધી તેમને સંતોષ વળતો નહિ. એક વિદુષી અંગ્રેજ સ્ત્રીના મગજમાંથી પાશ્ચાત્ય સંસ્કારોને ખસેડી તેમાં હિંદુ સંસ્કારોનો વાસ કરાવવો અને તેના સમસ્ત જીવનને હિંદમય કરી મુકવું એ કાર્ય જેવું તેવું ન હતું. વેદાન્તના ઉત્તમ સિદ્ધાંતોને તો તે ઝટ સ્વીકારતાં હતાં, પણ હિંદુઓના આચાર, વિચાર, જુદી જુદી ભાવનાઓ, ખાનપાન, પોશાક વગેરે તેમને તર્ક વિરૂદ્ધ અને અર્થ વગરનાં ભાસતાં હતાં. સ્વામી વિવેકાનંદ તેમાં ઉંડું રહસ્ય જોતા અને તેમને કહેતા કે “તમારે તમારા વિચારો, જરૂરીઆતો, ભાવનાઓ અને ટેવોને હિંદુઓ જેવાંજ બનાવવાનાં છે. તમારૂં આંતર અને બાહ્યજીવન એક બ્રાહ્મણ બ્રહ્મચારિણીના જેવુંજ બનાવવું જોઈએ અને તમારો પૂર્વાશ્રમ તમારી સ્મૃતિમાં પણ રહેવો ન જોઈએ હિંદુઓની જે ભાવનાઓ તમને તર્ક વિરૂદ્ધ લાગે તેને વખોડી નહિ કાઢતાં ધીરજથી તેનો બારિક અભ્યાસ કરવાનો છે. કેમકે આપણે ઉચ્ચ સત્યોને હિંદુઓના પોતાના વિચારોમાંજ સમજાવવાનું છે.” મતલબ એજ કે મિસ નોબલ જેવી બુદ્ધિશાળી પાશ્ચાત્ય શિષ્યાનું મન ફેરવવું એ કંઇ જેવું તેવું કાર્ય ન હોતું; પરંતુ સ્વામીજીએ એ કાર્યને એટલી હદ સુધી પરિપૂર્ણ કરેલું છે કે પાણી પીતી વખતે પણ મિસ નોબલ જુના વિચારના હિંદુઓની માફક પ્રથમ પોતાનાં બુટ ઉતારતાં અને તે પછીજ પાણી પીતાં. હિંદના પ્રાચીન શિક્ષણ વિષે પાશ્ચાત્ય શિષ્યો જે અનેક પ્રકારની પ્રબળ શંકાઓ તેમજ ટીકાઓ કરતા તે સર્વનું ઘણું જ ઉત્તમ અને રહસ્યયુક્ત સમાધાન સ્વામીજી આપતા. હિંદની પ્રાચીન સંસ્કૃતિને તેમજ કેટલાક અર્વાચીન