પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩
જન્મ અને બાલ્યાવસ્થા.


અને અત્યંત શુભ ચોઘડીયે થયો હતો. કહેવત છે કે ‘ત્રીજી પેઢી તારે ડૂબાડે !’ દાદાના ગુણ ત્રીજી પેઢીએ ઉતરે છે. સ્વાભાવિક નિયમ છે કે માબાપના ગુણ છોકરાંમાં અવશ્ય ઉતરીને આવે છે. આ બાળકની બાબતમાં તેમજ થયું. દાદાની વૈરાગ્યવૃત્તિ, પોતાની ઉદારતા અને વિશાળ બુદ્ધિ તેનામાં ઉતરી આવ્યાં હતાં; પણ ભુવનેશ્વરી દેવીએ તેમાં આપેલો હિસ્સો અલૌકિક હતો ! તીવ્ર સ્મરણશક્તિ, ધાર્મિકતા, રામાયણ મહાભારતાદિની ઉત્તમ ભાવનાઓ, સ્વાભિમાન અને હિંદના પ્રાચીન ગૈારવનું ભાન–એટલું તો બાળકને ભુવનેશ્વરી દેવીએજ તેને અર્પેલું હતું, કે જે અપૂર્વ બક્ષિસને લીધેજ નરેન્દ્રસ્વામી વિવેકાનંદ એક અસાધારણ વ્યક્તિ તરીકે પૂજાયા હતા.

બાળકે ત્રણ વર્ષ પુરા કર્યાં ત્યાં સુધી તે ઘણા જક્કી સ્વભાવનું હતું. પોતે ધાર્યું હોય તેજ કરવાને તે મથતું, માતા તેને ધમકાવતાં અને બીક બતાવતાં; પણ તે કશાને ગાંઠે નહિ. આખરે તેને તે પાણીના નળ પાસે બેસાડતાં અને તેના ઉપર નળનું પાણી છોડી મૂકતાં અને બહુ કંટાળે ત્યારે બરબડતાં કે, “શિવ ! શિવ ! મેં પુત્રને માટે પ્રાર્થના કરી અને તેમણે તો મને એક રાક્ષસ આપ્યો !” વળી બાળકને જાણે કે તે કહેતાં હોય તેમ તે બોલે કે, “તું જો સારી પેઠે નહિ વર્તે તો શિવજી તને કૈલાસમાં પેસવા નહિ દે.” વૃદ્ધાવસ્થામાં ભુવનેશ્વરી દેવી પોતાના પુત્રના યૂરોપિયન શિષ્યો પાસે આ બધી વાતો કરતાં અને કોઈ શિષ્ય આતુર થઈને પૂછે કે, “શું તે તમને ત્રાસ આપતા હતા?” તો માતા હસતે વદને જવાબ આપતાં.” અરે ! તેની સંભાળ રાખવાને માટે મારે બે બાઈઓ રાખવી પડતી હતી.”

બાલ્યાવસ્થામાંથી જ પુત્રની સ્મરણશક્તિ વિશેષ માલમ પડતી હતી. કારણ કે તેનો એક સગો કે જે સંસ્કૃતનો પંડિત હતો તે તેને રાતે સુતી વખતે અમરકોશના કેટલાક શ્લોકો મ્હોડે કરાવતો હતો