પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨૬
૫૨૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.

 રહી હતી તેનું વર્ણન કરતાં બહેન નિવેદિતા લખે છે કે:—

“એ વર્ષના દિવસો ઘણાજ રમણિય હતા. તે દિવસોમાં સ્વામીજીનું આદર્શજીવન નજર આગળ પ્રત્યક્ષ તરી રહેતું હતું. પ્રથમ બેલુર મઠની પાસે પવિત્ર ગંગાજીને કિનારે; પછી હિમાલયમાં; પછી નૈનીતાલ અને આલમોરામાં; પછી કાશ્મીરમાં અહીં તહીં વિચરવામાં અને એમ દરેક સ્થળે એ અદ્ભુત જીવનના જે અલૌકિક પ્રસંગોનો લાભ મળતો તે પ્રસંગો કદિએ ભૂલાય તેમ નથી. તે પ્રસંગોએ સ્વામીજીએ જે અનેક સજીવન વાક્યો ઉચ્ચારેલાં તે જીવનપર્યંત હૃદયપટ ઉપરથી ખસશે નહિ. એકવાર તો સ્વામીજીએ અમને સાક્ષાત્‌ પરમ સત્યમય દશાની ઝાંખી કરાવી હતી.”

“માનવજાતિ પ્રત્યે સ્વામીજીનો પ્રેમ અપ્રતિમ હતો. અધમમાં અધમ અને અજ્ઞાનીમાં અજ્ઞાની પણ તેમના પ્રેમનું પાત્ર બની રહેતો. સ્વામીજીની દૃષ્ટિએ સમસ્ત જગતને અમે નિહાળતાં અને તે વખતે અમને અખિલ વિશ્વ કલહ રહિતજ ભાસતું. સ્વામીજીની વિલક્ષણ બુદ્ધિના કેટલાક પ્રસંગો નહિ સમજવાથી અમે હસતાં પણ ખરાં. તેમને મુખે શુરાતનના પ્રસંગો સાંભળીને અમારાં હૃદય ઉછળી ઉઠતાં. કોઇ કોઇવાર તા જિસસ ક્રાઈસ્ટની બાલ્યાવસ્થાના પ્રસંગો જેવાજ પ્રસંગો એમના અદ્ભુત જીવનમાં અમે જોતાં.”

“સ્થળોનું વર્ણન સ્વામીજી એવા જુસ્સાથી કરતા કે આ લખતાં, હજી પણ ઈસ્લામાબાદનાં લીલાંછમ જેવાં અન્નપૂર્ણ ક્ષેત્ર, હિમાલયનાં જંગલોમાંના પ્રકાશિત દેખાવો અને દિલ્હી તથા તાજમહેલનાં ભપકાદાર અને સુંદર ચિત્રો મારી નજર આગળ તરી આવે છે. તે સદાને માટે અમારા સ્મૃતિપટ ઉપર કોતરાઈ રહેલાં છે. જુદા જુદા પંથો કેવી રીતે ઉત્પન્ન થાય છે તે પણ અમે જોયું છે. નવા નવા પંથ પ્રવર્તકોને પણ અમે નિહાળ્યા છે.