પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨૯
નૈનીતાલ, આલમોરા વગેરે સ્થળમાં


પહાડ, પર્વતો, નદીઓ, જંગલો, વગેરે પણ અતિ મહત્ત્વનાં લાગતાં. સ્વામીજી સુંદર શબ્દોમાં હિંદની વિશાળ નદીઓ, વિસ્તૃત જંગલો અને ભવ્ય પર્વતો માટે પોતાનો પ્રેમ પ્રગટ કરતા અને ભારતવાસીઓના શિક્ષણમાં તે પણ ઘણી અગત્યની વસ્તુઓ છે એમ દૃઢપણે કહેતા. હિંદનાં મોટાં મોટાં મેદાનોની સૂકી અને સહેજ સહેજ કાળી ભૂમિ, રણની ગરમ રેતી અને નદીઓની ઉની રેતી અને પથ્થરવાળાં ભાઠાં પણ તેમને મન ઉત્તમ અને ઉપયોગી વસ્તુઓ હતી. જ્યાં સ્મશાન ભૂમિમાં ઉમાનાથ–શંકરના વાસ સ્થાનની ભાવના; મૃત શરીર વિષેની ભાવના; જમણે હાથેજ ભોજન કરવું અને તે હાથેજ પૂજા કે જપ કરવાની માન્યતા; વિધવાનું સાધ્વી સ્ત્રી જેવું જીવન; એકાદશીવ્રત્ત અને તપાચરણ; માતાપિતાની દેવ સમાન ગણના; વર્ણાશ્રમ ધર્મ; બ્રાહ્મણ જાતિને માટે નિર્માણ થયેલી ધાર્મિક ક્રિયાઓ અને ધ્યાનાદિ ઉપાસનાઓ; સ્વાનુભવ અને વૈરાગ્યને પ્રજાકિય આદર્શ તરિકે ધરનાર સંન્યાસીઓ; વેદોનું ઉચ્ચારણ કરતા બ્રાહ્મણો; એ સર્વેમાં ઉંડો અર્થ સમાઈ રહેલો છે અને એ સર્વે ભારતવર્ષના પ્રજાકીય શિક્ષણનાં જુદાં જુદાં અંગો છે એમ સ્વામીજી સર્વેના મનમાં ઠસાવતા.

નેનીતાલમાં એક મુસલમાન સદ્‌ગૃહસ્થ સ્વામીજીની પાસે આવ્યા. તે સદ્‌ગૃહસ્થ અદ્વૈત વેદાન્તના ચુસ્ત અભ્યાસી હતા. સ્વામીજીની આધ્યાત્મિકનિષ્ઠા અને ભવ્ય ચારિત્ર્ય જોઈને તેમના ઉપર એટલી બધી અસર થઈ કે તેજ દિવસથી એ સદ્‌ગૃહસ્થ સ્વામીજીના ચુસ્ત શિષ્ય બની રહ્યા. પછી સંન્યાસ લઈ “મહંમદાનંદ” નામ ધારણ કરીને તેઓ રામકૃષ્ણ મિશનમાં જોડાયા. નૈનીતાલમાં ઘણા નામાંકિત પુરૂષો સ્વામીજીની મુલાકાતે આવતા. તેમની સાથે વાત કરતાં સ્વામીજી અનેક વિષયો ઉપર ચર્ચા કરતા. એક વખત સ્વામીજીએ પશ્ચિમના સાધારણ લોકવર્ગની વાત કરવા માંડી. ધર્મની