પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૩૩
નૈનિતાલ, આલમોરા વગેરે સ્થળમાં.


ઘરમાં વાસ કરાવ્યો હતો તેમનાં ભારે વખાણ કરીને સ્વામીજી તેમની મહત્તા પાશ્ચાત્ય શિષ્યોને સમજાવવા લાગ્યા. ચંદ્રગુપ્ત અને અન્ય બૌદ્ધ રાજાઓનાં રાજ્યોની ભવ્યતાનો તે ચિતાર આપવા લાગ્યા અને એ સમયની શિલ્પકળાની સર્વોત્તમતાનો ખ્યાલ સર્વેના મનવાં ઠસાવવા લાગ્યા. અંગ્રેજ વિદ્વાનો જે એમ કહે છે કે હિંદુઓ શિલ્પવિદ્યાને ગ્રીક લોકો પાસેથી શિખી લાવ્યા હતા તે વાતને સ્વામીજીએ અનેક દાખલા દલીલોથી ખોટી દર્શાવી આપી.

કાશ્મીરમાં સ્વામીજી આખો દિવસ પૌરાણિક કથાઓ, લોકવાર્તાઓ અને ઐતિહાસીક બનાવોનાં રહસ્યો સમજાવવામાં ગાળતા. કોઈવાર સ્વામીજી કાશ્મીરના લોકોના આચાર, વિચાર અને રીતભાતની વાતો કરતા તો કોઈવાર કાશ્મીરની દંતકથાઓ કહી સંભળાવતા અને કોઈવાર હિંદના ઈતિહાસ ઉપર નવોજ પ્રકાશ પાડીને જંઘીસખાનને નેપોલિયન કે અલેકઝાન્ડર જોડે સરખાવતા. “ભક્તિ, ધ્યાન, પ્લેટોનું તત્ત્વજ્ઞાન અને જગત પ્રભુની માત્ર લીલા છે.” એ વિષયો ઉપર પણ તેઓ વખતો વખત વિવેચન કરતા. કોઈ કોઈવાર રામાયણ કે મહાભારતના ભવ્ય અને રમણીય પ્રસંગોની તેમજ પશ્ચિમના સાધુઓની વાતો કરતા અને તેમને તુલસીદાસ તથા રામકૃષ્ણ વગેરેની સાથે સરખાવતા. આખરે સઘળા વાર્તાલાપનો અંત શ્રીમદ્ ભગવદ્‌ગીતાના સારમાં આવી રહેતો અને સ્વામીજી કહેતા કે “ગીતા અલૌકિક કાવ્ય છે. ખરા પુરૂષાર્થનોજ તે બોધ કરી રહેલી છે. નિર્બળતાનો લેશ માત્ર તેના બોધમાં જણાતો નથી.”

હિમાલયનો પ્રદેશ જોઈને સ્વામીજીની સાધુવૃત્તિ–વૈરાગ્યવૃત્તિ વિશેષ જાગૃત થઈ રહી હતી. અહીંઆં તે ઘણે ભાગે એકાંતમાંજ રહેવાનું પસંદ કરી એકલાજ જંગલમાં ચાલ્યા જતા. પારમાર્થિક જીવનજ તેમને સુખમય અને સત્ય લાગતું હતું. અહીંઆં તેમની