પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.

 વાર તો ઉંઘવા પણ દેતા નથી. કોઈ જીવતા મનુષ્યના અવાજની પેઠે તેઓ આપણને કંઈ કંઈ કહ્યા કરતા હોય છે.” ખરેખર સ્વામીજીની સ્થિતિ તેવીજ હતી. માત્ર એક દાક્તરનેજ તેમની પાસે જવાની રજા હતી. તે દાક્તર કાશ્મીરનો રહીશ હતો અને સ્વામીજીના સમાગમમાં આવ્યા પછી તેમનો ભક્ત બની રહ્યો હતો. સ્વામીજીને કાંઈ જોઈતું કરતું હોય તે તેજ આણી આપતો હતો તેથી તે એકલોજ કોઈ કોઈ વાર તેમની પાસે જતો. તે દાક્તર હોડી ઉપર જતાં સ્વામીજીને ઘણી વાર ધ્યાનગ્રસ્ત થઈ રહેલા જોતો અને તેવે સમયે તે તરતજ શાંતપણે ત્યાંથી પાછો નીકળી આવતો. આ પ્રકારના એકાન્ત અને ધ્યાનને પરિણામે સ્વામીજીને જે દર્શન થયું તે જ્ઞાનમય અને પ્રકાશમય હતું. આ સ્થિતિમાંથી જાગ્રતમાં આવ્યા પછી સ્વામીજી લખવાનો પ્રયાસ કરવા લાગ્યા અને તેમણે “કાલીમાતા” એ નામની કવિતા લખી કહાડી. એ કવિતામાં સ્વામીજીએ પોતાના એ પ્રસંગનો અનુભવ વર્ણવેલો છે. એ પ્રસંગ લખતાં લખતાં સ્વામીજીનું ચિત્ત ભગવતી પરબ્રહ્મસ્વરૂપિણી જગન્માતામાં એવું તો તદાકાર થઈ ગયું કે તેઓ ભાવસમાધિમાં આવી ગયા અને તેમના હાથમાંથી કલમ પડી ગઈ. સમાધિમાંથી જાગૃત થયા પછી કેટલાક દિવસ સુધી સ્વામીજી ભગવતી જગન્માતા વિષેજ વાત કરવા લાગ્યા કે “દેવી પોતેજ અનંત કાળ, અનંત દેશ અને અનંત શક્તિ છે. સારામાં, ખોટામાં, ભયમાં, શોકમાં, સર્વમાં તે સમાનરૂપે વ્યાપી રહેલી છે. સર્વે તેનાંજ સ્વરૂપો છે. તેની કૃપાનો લાભ લેવો હોય તો તમારા હૃદયને સ્મશાનભૂમિ બનાવી ગર્વ, સ્વાર્થ અને વાસનાને તેમાં બાળી નાંખો.” તે વખતથી હમેશાં સ્વામીજી દુઃખના કે બીમારીના વખતમાં પણ દેવીજ સઘળી ઇંદ્રિયો છે, દુઃખ પણ તે પોતેજ છે, એમ બોલતા જણાતા.

થોડા દિવસ પછી સ્વામીજી એકલા ક્ષીરભવાની જઇ ત્યાં