પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


બંધાવાય તો કેવું સારૂં ! સ્વામીજીના મનમાં એ વિચાર જરા ઉંડાણથી થવા લાગતાં અંતઃકરણમાંથી એક દિવ્ય અવાજ તેમને સંભળાયો અને તે તરતજ ચમકી ઉઠ્યા. તે અવાજ દ્વારા મહાશક્તિ ક્ષીરભવાનીએ કહ્યું કે “મારા દિકરા, જો મારી મરજી હોય તો હું અસંખ્ય દેવાલયો ઉભાં કરૂં. હું સુંદર મઠો બંધાવવાને શક્તિમાન છું. મારી મરજી હોય તો આજ ક્ષણે સાત માળનું સુંદર સુવર્ણમંદિર હું અહીંઆં ઉભું કરી શકું છું.” સ્વામીજીને આવા અનેક અનુભવો થયેલા હતા પણ તે સર્વ કોઇને કહેતા ન હતા, કારણ કે એવા અનુભવો જગતના સામાન્ય મનુષ્યોની બુદ્ધિમાં ઝટ લઈને ઉતરી શકતા નથી, તેમ તેમનો અધિકાર જોતાં તે તેમને માટે ઉપકારક ન થતાં ઉલટા તેમનામાં “બુદ્ધિ ભેદ”ને ઉપજાવી ઉભય ભ્રષ્ટ કરનારા થઈ પડે છે. હવે શ્રીનગરથી પાછા ફરવાની તૈયારી થઈ. સ્વામીજી તો કાલે ક્યાં જવું તે વિષે ભાગ્યેજ વાત કરતા પ્રવાસની યોજના તે કદીએ ઘડતા નહિ અને જ્યારે જ્યાં જવાય ત્યાં ખરૂં, એવુંજ તેમના મનમાં રહેતું. એમની ઇચ્છા તો માત્ર એટલી જ હતી કે જેમ બને તેમ એકાંતવાસમાં રહેવું અને ધ્યાનમય સાધુજીવન ગાળવું. ગુરૂ, શિક્ષક, કે ઉપદેશક થવું પણ ખરા મનથી તેમને ગમતું ન હતું. જગતને ભૂલી જવાય અને ગુપ્તવાસી બની એકાંતમાં આત્મચિંતન થાય તો ઠીક, એવી સ્વામીજીની ઇચ્છા હવે વિશેષ પ્રબળ થઈ રહી હતી.” જગતને ઉપદેશ કરનાર પોતે કોણ ? એ પણ મિથ્યા અભિમાન જ છે. માતાજીને તેમની મદદની જરૂર નથી, પણ તેમને માતાજીનીજ મદદની જરૂર છે. એવા એવા અનેક વિચારો સ્વામીજીના હૃદયમાં વારંવાર પ્રબળપણે તરી આવતા હતા. બીજી તરફ માનવજાતિ પ્રત્યે પણ તેમનો પ્રેમ અગાધ હતો. એ પ્રેમથી એમનું હૃદય એવું તે પલળી રહ્યું હતું કે બુદ્ધિગમ્ય