પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫
જન્મ અને બાલ્યાવસ્થા.


બજારમાં જઈને તે રામ–સીતાની એક મૂર્તિ લઈ આવ્યા. ઘરમાં ત્રીજે માળે એક ન્હાની ઓરડીમાં તે બંને જણ ગયા અને બારણાં બંધ કરી દીધાં. પેલા બ્રાહ્મણ મિત્રે મૂર્તિની સ્થાપના કરાવી અને નરેન્દ્રે તે કરી અને બંને જણ શ્રીરામ અને સીતાનું ધ્યાન ધરવા લાગ્યા. તેઓએ આંખો મીંચી દીધી અને એટલા બધા લીન થઈ ગયા કે કલાકના કલાક વીતી ગયા પણ તે ઉઠ્યા નહિ, રાત્રિ પડી જવા આવી અને કુટુંબના માણસોએ શોધ ખોળ કરી મુકી. કોઈને સુઝી આવ્યું કે ત્રીજો માળ જુવો ! ત્રીજા માળનાં બારણાં બંધ ! હવે શું કરવું ? દ્વારને કુહાડી વતી ચીરવામાં આવ્યાં ! પેલો બ્રાહ્મણનો છોકરો એકદમ ન્હાસી ગયો પણ નરેન્દ્ર પૂર્ણ ધ્યાનમાં હતો. અહો ! બાલ્યાવસ્થાનું ધ્યાન ! ધ્રુવ અને પ્રલ્હાદનાં અકલુષિત હૃદયો ! શુકદેવનું અચલિત ધ્યાન ! ન્હાનપણમાં ચિત્ત નિર્મળ હોય છે અને અડગ શ્રદ્ધાથી ભરપુર હોય છે. નરેન્દ્રની બાબતમાં પણ તેમજ થયું હતું. માણસોએ તેને બોલાવ્યો હલાવ્યો, પણ તે હાલ્યો નહિ; છેવટે બોલ્યો ત્યારે “મને બેસી રહેવા દ્યો” એટલું જ બોલ્યો ! સર્વે પાછાં નીચે ગયાં અને આ બાળયોગીને તેનું ધાર્યું કરવા દીધું.

એક બાજુએ જોતાં નરેન્દ્રમાં સાધુતાનાં બીજ નજરે પડતાં અને બીજી બાજુએ તપાસતાં બચપણની દોડકૂદ અને મસ્તીમાં તે મશગુલ જણાતો. તેની મોટી બ્હેનોને તે વારંવાર ચીઢવતો અને “મને પકડાય છે?” એમ કહેતો કહેતો એવો ન્હાસતો કે તેમના હાથમાં આવતો નહિ. ઘરની ગાય તેને અત્યંત વ્હાલી હતી. તેની બ્હેનો ગૌપૂજન કરે ત્યારે તે પુષ્પ વગેરે લાવવા લાગતો. વળી એક વાંદરો, એક બકરો, એક મોર, થોડાંક કબુતરો અને બે ત્રણ ધોળા ઉંદરો તે ઘરમાં રાખતો. તેમને પોતાને હાથે ખવરાવતો અને વારંવાર તેમની જોડે રમતો. આ પશુ પ્રીતિ તેના હૃદયમાંથી મરતાં સુધી