પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


છોકરાઓને ન્યાત જાતના ભેદ વગર શિખવવામાં આવશે અને જેમને તેવા ભેદનું પાલન કરવું હશે તેમણે પોતાને હાથે રસોઈ વગેરે કરવું પડશે. તેઓને અધ્યયન કરવાને માટે વર્ગમાં સૌની જોડે બેસવું પડશે. તેઓના ચારિત્ર ઉપર મઠના અધિકારીઓ પુરતી દેખરેખ રાખશે. જે મનુષ્યે મઠમાં અમુક વર્ષ સુધી કેળવણી લીધી નહિ હોય તેને સંન્યાસ આપવામાં આવશે નહિ.”

એ વખતે શરદચંદ્ર જે સ્વામીજીના “શિષ્ય” તરીકે ઓળખાય છે તે ત્યાં હાજર હતા. તેમણે પૂછ્યું, “ત્યારે મહારાજ, તમે તો આપણા દેશમાં પ્રાચીન ગુરૂકુળને ફરીથી સ્થાપવા માગો છો ?”

સ્વામીજી—હા, ખરેખર તેમજ. આધુનિક કેળવણીમાં બ્રહ્મવિદ્યાના વિકાસને માટે જરાએ સ્થાન નથી. પ્રાચીન બ્રહ્મચર્યાશ્રમની વ્યવસ્થા ફરીથી ચાલુ થવી જ જોઇએ. પણ તેના પાયો ઘણા ઉદાર અને વિશાળ વિચારો ઉપર રચાવો જોઇએ. તેમાં આધુનિક સમયને લગતા કેટલાક ફેરફારો પણ કરવા જોઈએ.

“આપણા મઠની પાસે આવેલી પેલી જમીનને કકડો આપણે લેવો પડશે. ત્યાં શ્રીરામકૃષ્ણના સ્મરણાર્થે એક અન્નક્ષેત્ર ઉઘાડવામાં આવશે. ત્યાં ખરેખરા ગરિબોને અન્ન આપવામાં આવશે. ગરિબોને નારાયણનાં સ્વરૂપો જ ગણવાના છે. ફંડ પ્રમાણે તેના કાર્યની વ્યવસ્થા કરવામાં આવશે. ઉત્સાહી બ્રહ્મચારીઓને એ અન્નક્ષેત્ર ચલાવવાને કેળવવામાં આવશે. તેઓ તેના નિભાવ માટે ઘેરે ઘેર માગીને ફંડ એકઠું કરશે. તેને મઠ તરફથી દ્રવ્યની મદદ કરવામાં આવશે નહિ. બ્રહ્મચારીઓ એ પ્રમાણે પાંચ વર્ષ વ્યતીત કરશે ત્યાર પછી તેમને સરસ્વતી મંદિરમાં દાખલ કરવામાં આવશે. આ પ્રમાણે દસ વર્ષ સુધી કેળવણી લીધા પછી તેઓ સન્યાસદિક્ષાના અધિકારી થશે અને તેમને મઠના અધિકારીઓ યોગ્ય રીતે સન્યાસ આપશે.”