પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૫૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


તેની શ્રદ્ધામાંથી ડગાવવો નહિ અને વેદ અને વેદાન્તના ઉત્તમ સિદ્ધાંતોને સ્પષ્ટ રીતે, સાદામાં સાદી ભાષામાં અને સરલ વિચાર શૈલીમાં પ્રગટ કરવા એજ તેનો હેતુ હતો. સર્વત્ર ભ્રાતૃભાવ, સંપ અને શાંતિનેજ ફેલાવનારૂં આ માસિક બનવું જોઈએ એવો સ્વામીજીનો આગ્રહ હતો.

સ્વામીજીની તબીયત નાદુરસ્ત હોવાથી હવાફેર કરવા જવાનો તેમણે વિચાર કર્યો. પ્રથમ વૈદ્યનાથ જવું અને પછીથી ઉનાળામાં યૂરોપ તથા અમેરિકાના પ્રવાસે નીકળવું એવો તેમનો નિશ્ચય થયો. વૈદ્યનાથ ગયા પછી સ્વામીજી ત્યાં ઘણોખરો વખત એકાન્તવાસમાંજ ગાળતા. હજી પણ તે પુસ્તકોનું અધ્યયન કર્યા કરતા. તે કસરત કરતા અને ઘણો વખત ખુલ્લી હવામાં હરવા ફરવામાં ગાળતા. તેમને દમનો વ્યાધિ લાગુ પડ્યો હતો અને તે કોઇ કોઈવાર તો જીવ નીકળી જાય એવી સખત પીડા કરતો હતો. વૈદ્યનાથમાં સ્વામીજી બાબુ પ્રિયાનાથ મુકરજીના અતિથિ થઇને રહ્યા હતા. એક વખત સાંજે સ્વામીજી અને સ્વામી નિરંજનાનંદ બહાર ફરવાને માટે ગયા હતા તે વખતે તેમણે રસ્તા ઉપર એક મનુષ્યને પડેલો જોયો. તે મનુષ્ય તદ્દન નિરાધાર હતો અને ટાઢથી ધ્રુજતો હતો. તેને સખત ઝાડો થતો હતો અને તેની પાસે જે એકજ ફાટલું ચીંથરા જેવું લુગડું હતું તે પણ ઝાડાથી બગડેલું હતું. તે માણસનું દુઃખ જોઇને સ્વામીજીનું દયાળુ હૃદય ભરાઈ આવ્યું. તેને શી રીતે મદદ કરવી એનો વિચાર સ્વામીજી કરવા લાગ્યા. તે પણ કોઈના અતિથિજ હતા, તેથી જેને ઘેર ઉતર્યા હોય તેને પૂછ્યા વગર એવા દર્દીને તેને ઘેર કેમ લઈ જવાય ? સ્વામીજી વિચારમાં પડ્યા. શું કરવું તે એમને સૂઝે નહિ, તેમજ તે માણસને એમને એમ મૂકીને તેમનાથી એક ડગલું આગળ ભરાય નહિ. આખરે તે દર્દીને પોતાને મુકામેજ લઈ જવાનો તેમણે નિશ્ચય કર્યો. બંને મળીને પેલા દર્દીને પોતાને મુકામે લઇ